અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ધોનીને ભેટનાર યુવક ભાવનગરનો નીકળ્યો, પોલીસે ધરપકડ કરી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એક વખત સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. 10 મેના રોજ એક દર્શક સ્ટેડિયમની અંદરની બાઉન્ડરી કૂદીને મહેન્દ્રસિંહ ધોની પાસે પહોંચી ગયો હતો. IPLની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર સુરક્ષાકર્મીની નજર ચૂકવીને યુવક ગ્રાઉન્ડની અંદર પહોંચી ગયો હતો અને ધોનીને પગે પડી ભેટી પડ્યો હતો. આગાઉ જ્યારે ઓસ્ટ્રેલિયન નાગરિક સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો ત્યારે ગંભીર નોંધ લેવાઈ હતી. સ્ટેડિયમમાં બાઉન્ડરી કૂદીને પિચ સુધી પહોંચનાર યુવક ભાવનગરનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એક યુવક ગ્રાઉન્ડમાં દોડીને પિચ સુધી પહોંચી ગયો
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ વિંગના ભરતસિંહે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે શુક્રવારે તેઓ આઇ.પી.એલ. 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ- 2024ની ગુજરાત ટાઇટન્સ VS ચેન્નઈ સુપર કિંગની મેચના બંદોબસ્તમાં અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હતા. આ દરમિયાન સ્ટેડિયમમાં પ્રેક્ષકો ક્રિકેટ મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવા લાગયા હતા. અમારા પોઇંટ પર હાજર રહી ઉપરી અધિકારીની સૂચના મુજબ અમારી ફરજ બજાવી રહ્યા હતા. 7.30 વાગ્યે મેચ શરૂ થઈ હતી. એ દરમિયાન સેકન્ડ ઈનિંગમાં ચેન્નાઇ સુપર કિંગની બેટિંગ દરમિયાન મહેંદ્રસિંહ ધોની ઓન સ્ટ્રાઈક બેટિંગ કરતા હતા. ત્યારે આશરે 11.25 વાગ્યે 19.3 ઓવર દરમિયાન એક વ્યક્તિ લોઅર બાઉન્ડરી બ્લોકમાંથી પ્રેક્ષકો વચ્ચેથી નોર્થ બ્લોક બાજુની સાઇડ સ્ક્રીન તરફની જાળી કૂદી સાઇડ સ્ક્રીન તરફ અંદરના ભાગે કૂદકો મારીને ગ્રાઉન્ડમાં દોડીને પિચ સુધી પહોંચી ગયો હતો.
અગાઉ ઓસ્ટ્રેલિયન નાગરિક સ્ટેડિયમમાં ઘૂસી ગયો હતો
તે વ્યક્તિનું નામ પૂછતાં તેણે પોતાનું નામ જયકુમાર ભરતભાઈ જાની હોવાનુ જણાવ્યું હતું. વધુમાં તેણે જણવ્યું હતું કે તે ધોનીનો ચાહક છે. ધોનીને મળવાની ઇચ્છા હતી, જેથી પોતે જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી ગયો હતો. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે પોતે તેના ભાઈ પાર્થ જાની સાથે ભાવનગરથી અમદાવાદ મેચ જોવા આવ્યો છે અને મેચની ટિકિટ તેના ભાઇ પાર્થના મોબાઇલ પરથી ઓનલાઇન બુક કરાવેલી હતી. ધોનીનો ફેન હોવાથી પોતે ક્રિકેટ મેચ જોવા આવ્યો હતો અને ચાલુ મેચ દરમિયાન જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી ગયો હતો. આ સમગ્ર મામલે હાલ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઓસ્ટ્રેલિયન નાગરિક સ્ટેડિયમમાં ઘૂસી ગયો હતો.