ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની રેસીપી
Written By
Last Updated : મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (14:13 IST)

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

1. સુખડી
સામગ્રી : ચાર કપ ઘઉંનો લોટ (કરકરો), બે કપ ગોળ (કઠણ હોય તો ચપ્પુથી છોલી નાખવો), બે કપ ઘી, પ૦ ગ્રામ ટોપરાનું ખમણ, પ૦ ગ્રામ કાજુ-બદામની કતરણ.
 
રીત : લોટને ઘી માં નાખી બ્રાઉન થાય ત્‍યાં સુધી શેકો. લોટ શેકાઇ જાય ત્‍યારે તાપ પરથી ઉતારી તેમાં ખમણ અને ગોળ નાખી મિક્સ કરો. ગોળ તથા ખમણ બરોબર મિક્સ થઇ જાય ત્‍યારે થાળીમાં પાથરી દો. ઉપરથી કાજુ-બદામ નાખી મનપસંદ આકારમાં કાપા પાડી લો. ગરમ અથવા ઠંડી થાય ત્‍યારે ઉપયોગ કરો. 
 
2. દિવાળી વાનગી - સુંવાળી 
સામગ્રી :- 5૦૦ ગ્રામ મેંદો, 2૦૦ ગ્રામ ખાંડ, 1 કપ પાણી. 100 ગ્રામ ઘી, તલ- ત્રણ ચમચી, તળવા માટે તેલ, 
 
બનાવવાની રીત - એક વાસણમાં મેંદો સારી રીતે ચાળી લો. તેમાં ઘીનું મોણ ઉમેરી ભેળવી લો. એક કપ પાણીમાં ખાંડ નાખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. તલને 10 મિનિટ પાણીમાં પલાળીને નિતારી લો. સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો. તલ અને ખાંડનું પાણી નાખીને કડક લોટ બાંધી લો. એકસરખા લુઆ બનાવીને પાતળી પાતળી પૂરીઓ વણી લો. સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી લો.
 
3. દિવાળીની ગુજરાતી વાનગી - મોહનથાળ
 
સામગ્રી - 400 ગ્રામ કંડેન્સ મિલ્ક, 200 ગ્રામ ખાંડ, 3 કપ બેસન, 2 ચમચી દૂધ, કેસર, 1 કપ ઘી, કતરરેલા બદામ અને પિસ્તા 
 
બનાવવાની રીત - સૌ પ્રથમ બેસન અને દૂધને સારી રીતે મિક્સ કરી ચાળીને 30 મિનિટ માટે ઢાંકીને મુકી દો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. ત્યારબાદ તેમા બેસન નાખીને 10 મિનિટ સુધી સેકો. 
 
મિશ્રણને સતત હલાવતા તેમા કંડેન્સ મિલ્ક અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને 15 મિનિટ સુધી હલાવતા રહો અને ઘટ્ટ થતા સુધી થવા દો. ત્યારબાદ તેમા કેસર નાખો અને વાસણ ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને ઘી લગાવેલ થાળીમાં પાથરી દો અને ઉપરથી કતરેલા બદામ અને પિસ્તા નાખી દો. જ્યારે આ ઠંડુ થાય ત્યારે મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.
 
4. ગુજરાતી દિવાળી રેસીપી - મૈસૂર પાક
 
સામગ્રી - 1 કપ બેસન, 2 કપ ઘી, 2 કપ ખાંડ, 1 કપ પાણી. 
બનાવવાની રીત - બેસનને ચાળીને જુદુ મુકો. પાણી અને ખાંડને ગરમ કરી ઓગળવા દો. જ્યારે એક તારની ચાસણી બની જાય તો તેમા એક કપ ઘી નાખી દો. હવે ધીમો તાપ કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. 
 
 
જ્યારે બેસન થોડુ ફુલી જાય ત્યારે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો.  ઘી થોડુ થોડુ કરીને નાખતા જજો.  બધુ ઘી મિક્સ થઈ જાય કે બેસન સતત હલાવો. 
 
જ્યારે બેસનમાં જાળી જાળી દેખાવવા માંડે તો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે સમજો. કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો.  
 
જ્યારે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક 15-20 દિવસ સુધી સારો રહે છે. 
 
5. દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા
 
સામગ્રી: ૫૦૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ દૂધ, લોટ બાંધવા અને તળવા માટે ઘી, 400 ગ્રામ માવો, 100 ગ્રામ રવો, 2 ટે. 400 ગ્રામ દળેલી ખાંડ, ઈલાયચી પાવડર બે ચમચી, 100 ગ્રામ કાજુ ટુકડી, 50 ગ્રામ કિસમિસ. 100 ગ્રામ નારિયળનું ઝીણું છીણ (પસંદ હોય તો ) 
 
 
બનાવવાની રીત - એક વાસણમાં મેદો ચાળી તેમા ઓગાળેલુ ઘી નું મોણ નાખી તેને સારી રીતે મિક્સ કરો. લોટમાં થોડુ દૂધ નાખી અને જરૂરી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દેવો. અડધો કલાક માટે રાખી મુકો. 
 
પૂરણ બનાવવાની રીત - ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો અને ત્યારબાદ, એક વાસણમાં કાઢી લેવો. તે જ કડાઈમાં ઘી નાંખી અને રવાને ગુલાબી થાય ત્યાં સુધી શેકવો. અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં કાઢી લેવો. દળેલી ખાંડ, કાજુના ઝીણા ટુકડા અને ઈલાયચી પાવડર તૈયાર રાખો. હવે માવામાં રવો, ખાંડ એલચી પાઉડર અને સૂકા મેવાને એકસાથે ભેગા કરી પૂરણ તૈયાર કરો. 
 
હવે બાંધીને ઢાંકેલા લોટને મસળીને મુલાયમ બનાવો, આ લોટના 50-60 લૂઆ થશે. લૂઆ બનાવીને કપડાથી ઢાંકી મુકવા. હવે વેલણથી સહેજ મોટી પુરી વણીને તેને ઘુઘરાના બીબામાં મુકી પૂરણ ભરવુ અને બીબુ બંધ કરીને વધારાનો લોટ કાઢી લેવો. આ રીતે દરેક ઘૂઘરા બનાવી લેવા. ઘુઘર ખુલી જતા હોય તો બીબુ બંધ કરતા પહેલા બીબાના કિનારે સહેજ દૂધ લગાવી બંધ કરો. આ રીતે બધા ઘુઘરા બનાવી સાડી નીચે ઢાંકી મુકો. બધા ઘુઘરા બની જાય કે ગરમ ઘી માં તળી લો. આ ગરમા ગરમ પણ ખાઈ શકો છો. ઠંડા થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.
 
6.  નારિયેળ અને માવાના લાડુ
 
સામગ્રી - પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા. 
 
 
બનાવવાની રીત - નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનુ કોપરં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી જુદી કરી લો.  ત્યારબાદ સફેદ નારિયળના ટુકડા કરી મિક્સરમાં ઝીણુ દળી લો અને દૂધમાં મિક્સ કરી ગેસ પર બફાવા દો.  જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા માંડે ત્યારે ખાંડ મિક્સ કરો અને ફરીથી ઘટ્ટ કરી લો. જો મિશ્રણ ચોંટી રહ્યુ હોય તો થોડુ ઘી નાખો. હવે એક કડાહીમાં માવો ગુલાબી રંગનો સેકી લો. ઠંડુ થતા માવો ઈલાયચી અને કેસર નારિયળના મિશ્રણમાં નાખી દો. ઉપરથી બદામ પિસ્તા નાખો અને ગોલ ગોલ લાડુ બનાવી લો. 
 
 
7.  સોન પાપડી
 
સામગ્રી - બેસન 1 1/2 કપ, મૈદો 1 1/2 કપ, દૂધ 2 કપ, ખાન/ડ 2 1/2 કપ, ઈલાયચી પાવડર - 1 ચમચી. પાણી દોઢ કપ, પોલીથીન શીટ દોઢ કપ. ઘી - 250 ગ્રામ. 
 
બનાવવાની રીત - એક વાડકીમાં બેસન અને મેદાને ચાળી લો. ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ કરો. જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે તેમા બેસન અને મેંદો નાખીને રોસ્ટ કરો. ત્યા સુધી રોસ્ટ કરો જ્યા સુધી કે લોટ થોડો સોનેરી ન થઈ જાય. તેને સતત હલાવતા રહો, જેનાથી એ ચોંટે નહી. 
 
ત્યારબાદ એક કઢાઈમાં પાણી ઉકાળો. તેમા ખાંડ અને દૂધ નાખીને ચાસણી બનાવો અને ગેસને ધીમા તાપ પર રહેવા દો. જ્યારે ચાસણી ઘટ્ટ થઈ જાય ત્યાર આંચ બંધ કરી તેને ઠંડી થવા દો. 
 
સેકેલા લોટને એક ચોખ્ખા પ્લેટમાં કાઢીને ફેલાવી દો. જેથી તે ઠંડો થઈ જાય. હવે એક થાળી લઈને તેને ઘી લગાવી દો. જ્યારે લોટ ઠંડો થઈ જાય ત્યારે તેને ધીરે ધીરે ચાસણીમાં નાખીને હલાવો. જ્યારે એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેને ઘી લગાવેલ થાળીમાં નાખો. મીઠાઈ લગભગ એક ઈંચની ઊંચાઈની હોવી જોઈએ. હવે સોન પાપડીને કાપીને પોલીથીનમાં લપેટીને સર્વ કરો.
 
 
8. ગુજરાતી રેસીપી -કાજૂ કતલી Kaju Katli
 
મિઠાઈમાં કાજૂ કતલીનો કોઈ જવાબ જ નહી. આ મોંઘી મિઠાઈઓમાંથી એક છે. જો તમને લાગે છે કે તેને ઘરે બનાવવું મુશ્કેલ છે તો આવુ નથી. હું તમને જણાવી રહી છું કાજૂ કતલીની રેસીપી અને હા તેમાં તમને કેસરનો ફલેવર પણ મળશે કારણકે આ કેસર વાળી કાજૂ કતલી છે. 
સામગ્રી 
1 કિલો કાજૂ 
600 ગ્રામ વાટેલી ખાંડ 
એક મોટી ચમચી કેસર 
7 થી 8 ઈલાયચી 
 
સજાવટ માટે ચાંદીનો વર્ક 
થોડું ઘી 
વિધિ- 
-એક નાની થાળીમાં ઘી લગાવીને ચિકનો કરીને જુદો રાખવું. 
- ત્યારબાદ કાજૂને વાટીને પાઉડર બનાવી લો. તેને ઝીણું વાટવા માટે થોડું- થોડું કરીને વાટવું. પાઉડરમાં મોટા દાણા નહી હોવા જોઈએ. 
- હવે કઢાઈમાં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં મૂકો. પહેલા ઉકાળ આવ્યા પછી ધીમા કરી નાખવું અને ચાશણીને ઘટ્ટ થતા સુધી રાંધવું. 
- ત્યારબાદ તેમાં કેસર નાખી ત્રણ તારની ચાશણી બનાવી લો. 
- હવે ચાશણીની કઢાઈને તાપથી હટાવીને તેમાં કાજૂ પાઉડર નાખો અને સારી રીત મિક્સ કરવું. 
- મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને. 
- કઢાઈને ફરીથી ધીમા તાપ પર મૂકો અને સમાન ચલાવતા કાજૂના મિશ્રણને સારી રીતે રાંધવું. 
- જ્યારે કાજૂ પાકી જાય તો તાપ બંદ કરી નાખો. 
- હવે મિશ્રણને પહેલાથી ચિકણી કરેલી થાળીમાં એક થોથાઈ ઈંચ જાડી પરતમાં સમાન ફેલાવી દો. 
- હવે તેને થોડીવાર માટે ઠંડા થવા દો. તેમાં આશરે 10-15 મિનિટનો સમય લાગે છે. 
- તેના ઉપર ચાંદીનો વર્ક લગાવી દો. 
- હવે તમે કાજૂ કેસર બરફીને મનપસંદ આકારમાં કાપી લો. 
 
 
9. કચ્છી સાટા બનાવવાની રીત
 
સાટા રેસીપી માટે સામગ્રી 
1¼ કપ લોટ
¼ ટીસ્પૂન બેકિંગ પાવડર
2½ ચમચી શુદ્ધ દેશી ઘી
2 ચમચી સોજી
3 ચમચી દૂધ
તળવા માટે ઘી અને ¼ કપ તેલ
2 કપ (400ml) ખાંડ
1 ચમચી રોઝ એસેન્સ અથવા ⅛ ટીસ્પૂન ગુલાબજળ
2 ચમચી સૂકી ગુલાબની પાંખડીઓ (વૈકલ્પિક)
2 ચમચી બારીક સમારેલા પિસ્તા અને બદામ (વૈકલ્પિક)
 
કચ્છી સાટા  બનાવવાની રીત
એક બાઉલમાં 1¼ કપ લોટ લો અને તેને ચાળી લો. આ પછી, તેમાં ¼ ચમચી બેકિંગ પાવડર ઉમેરો.
(જો બેકિંગ પાવડર ઉપલબ્ધ ન હોય તો, તમે 1 થી 2 ચપટી ખાવાનો સોડા ઉમેરી શકો છો) દેશી ઘી ઉમેરો અને બધી સામગ્રીને હાથથી સારી રીતે મિક્સ કરો.
પછી તેને 10 મિનિટ ઢાંકીને રાખો.
 
એક બાઉલમાં 2 થી 3 ટેબલસ્પૂન દૂધ નાખી મિક્સ કરી 10 મિનિટ ઢાંકીને રાખો.
હવે આ સોજીના મિશ્રણને લોટના મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
એક બાઉલમાં થોડું દૂધ નાખો અને લોટ ભેળવો. લોટને થોડો સખત ભેળવો. આ લોટને ભેળવવા માટે માત્ર 2 થી 3 ચમચી દૂધની જરૂર પડશે.
તેને ઢાંકીને 30 મિનિટ માટે રાખો.
30 મિનિટ પછી લોટને સારી રીતે મસળી લો અને તેમાંથી એક મોટો બોલ બનાવો.
હવે સૂકા લોટની મદદથી આ લોટને પુરી જેટલો જાડો અને બને તેટલો મોટો બનાવી લો.
આ પછી, એક નાનો બાઉલ લો અને આ રોલ કરેલા લોટને બાઉલના આકારમાં કાપી લો.
તેને ચિહ્નિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તે તળતી વખતે ફૂલી ન જાય.
અમે બધી પુરીઓ બરાબર એ જ રીતે તૈયાર કરીશું.
એક પેન લો અને તેમાં તળવા માટે ઘી લો અને તેમાં ¼ કપ તેલ નાખો.
(જો તમે ઇચ્છો તો, તમે તેને ઘીમાં પૂરી રીતે તળી શકો છો, પરંતુ ઘીમાં તેલ ઉમેરીને તળવાથી આ મીઠી ભારે નહીં થાય અને તમને નુકસાન પણ નહીં થાય)
તેલ બરાબર ગરમ થયા બાદ તેમાં તૈયાર કરેલી પુરી ઉમેરો.
ધ્યાન રાખો કે સાટા તળતી વખતે ઘીનું તાપમાન વધારે ન રાખો.
જો ઘી ખૂબ જ ઉંચી જ્યોત પર હોય તો તમારું સાતા ખાસ્તા તૈયાર નહીં થાય અને આપણે આ સાટા ખસ્તા તૈયાર કરવાના છે.
તેને ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી પકાવો.
જ્યારે સાટા પુરી સોનેરી રંગની થઈ જાય અને તૈયાર થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લો.
એક બાઉલમાં ખાંડ નાખો. ખાંડમાં 1 કપ (200ml) પાણી ઉમેરો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
આ ખાંડની ચાસણીને ધીમી આંચ પર સતત હલાવતા રહી, ચાસણીના 2½ તાર તૈયાર કરો.
આ પછી, તેનું એક ટીપું એક પ્લેટમાં મૂકો અને જુઓ કે તે પ્લેટમાં ફેલાય નહીં તો સમજી લો કે તમારી ચાસણી તૈયાર છે.
આગ બંધ કરો અને તેમાં 1 ચમચી રોઝ એસેન્સ ઉમેરો.
(જો તમારી પાસે ગુલાબનું એસેન્સ ન હોય તો તમે તેમાં ⅛ ચમચી ગુલાબજળ પણ ઉમેરી શકો છો)
હવે આ ચાસણીને થોડી ઠંડી થવા દો.
એક પ્લેટ લો અને તેના પર થોડું ઘી લગાવો.
હવે સાટા પુરીને ખાંડની ચાસણીમાં પલાળી દો અને પછી તેને ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકો.
એ જ રીતે બધી સાટા પુરીઓને ચાસણીમાં બોળીને ચાસણીમાં સારી રીતે બોળીને બહાર કાઢી લો.
હવે તેના પર ઝીણી સમારેલી બદામ અને પિસ્તા લગાવો અને થોડી સૂકી ગુલાબની પાંદડીઓથી ગાર્નિશ કરો.
તે ઠંડું થયા પછી, તેના પર વધુ એક વખત ચાસણી લગાવો અને તેને ફરીથી ઠંડુ કરો.
હવે તેને 30 થી 35 મિનિટ સુધી ઠંડુ થવા દો અને સર્વ કરો
 
10. દિવાળી મીઠાઈ - બાલુશાહી
 
સામગ્રી - 1 કિલો મેંદો, 300 ગ્રામ ઘી, અડધી ચમચી ખાવાનો સોડા, 20 ગ્રામ દહીં, લાલ રંગ, ડ્રાય ફ્રૂટ્સ
 
બનાવવાની રીત  - એક કઢાહીમાં ઘી ગરમ કરી તેને મેંદામાં નાખો. ત્યારબાદ સોડા, દહીં અને થોડુંક પાણી નાખો. મેંદાને ત્યાં સુધી બાફો જ્યાં સુધી તે થોડો કડક ન થઈ જાય. પણ વધુ કડક કે વધુ નરમ ન થાય તેનુ ધ્યાન રાખજો. થોડો લાલ રંગ પણ નાખી દો.ઠંડુ કરીને તેના નાના નાના પેંડા બનાવી લો. 
 
કડાહીમાં તેલ ગરમ કરવા મુકો. વચ્ચે એક ઝારો મુકી દો. અને આ ઝારા પર પેંડા મુકી દો. હવે ધીમા ગેસ પર પેંડાને સીઝવા દો, પેંડ સીઝશે કે ફૂલી જશે. હવે આ પેંડાની વચ્ચે એક નાનકડું કાણું પાડો અને તેને તેલમાં તળી લો. સોનેરી રંગની થાય કે તેને કાઢી લો. આને અડધા કલાક સુધી ઠંડી થવા દો. ચાર તારની ચાસણી બનાવી લો. એક તપેલી પર ચારણી મુકો તેની ઉપર બધી બાલુશાહી મુકી દો, અને હવે આ બાલુશાહી પર ધીરે ધીરે ચાસણી રેડતા જાવ.. 
 
આ રીતે દસ મિનિટ સુધી કરતા રહો જેથી બાલુશાહીમાં ચાસણી સારી રીતે મિક્સ થઈ જાય. ઠંડી થાય કે ઉપરથી બદામ અને પિસ્તાની કતરન નાખો.