રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (17:06 IST)

આજે વિશ્વ રેડિયો દિવસ-વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ

13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવાય છે. યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો હતો.  રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે.
 
રેડિયોનાં અનેક સૂરીલાં સ્મરણો છે. નાનપણમાં રેડિયો મોટો વૈભવ હતો. ગામમાં જેની કને રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. જેની પાસે રેડિયો હોય તેના ઠાઠમાઠ વધી જતા. કોઈ છેલબટાઉ ગામમાં નવો રેડિયો લાવે એટલે કાંખમાં છોકરું તેડ્યું હોય તેમ તેને તેડીને શેરીમાંથી નીકળે, રેડિયો પર મોટા અવાજે ભજન વાગતું હોય. એ વખતે રેડિયો લઈને નીકળનાર એ યુવાનનો રૂઆબ રાજાથી સહેજ પણ ઉતરતો ના હોય. સવારે કોઈના ઘરે મોટેથી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લૂંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતાં ફરમાઇશી ગીતો આજે પણ કાનમાં ગૂંજે છે. હવામહેલ કે છાયાગીત જેવા કાર્યક્રમો સાંભળવાની મઝા આવતી. રેડિયો સિલોન પણ સ્મરણ મંજૂષામાં આજે પણ હેમખેમ છે. શાણાભાઈ શકરાભાઈ ભૂલ્યા ભૂલાય તેમ નથી.
 
સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર તો લોકો ટોળે વળીને સાંભળે. રેડિયો પર રજૂ થયેલાં અનેક રૂપકો અને નાટકોના રસના તો અમે મોટા મોટા ઘૂંટડા ભરતા. ગ્રામ પંચાયતની ઓફિસે લાઉડ સ્પીકર પર વાગતો રેડિયો ખોવાઈ ગયો. હા, તેના પર સાંભળેલાં ભજનો બરાબર યાદ છે.
 
શિયાળાની જામેલી રાતે ગોદડામાં રેડિયો સાંભળવાની મઝાની કોપી મેં કરી લીધી છે, આજે જયારે મન થાય ત્યારે તેને આકાશવાણીના સ્મરણ સ્ટેશન પર પેસ્ટ કરીને વારંવાર સાંભળું છું.અને ક્રિકેટની રનિંગ કોમેન્ટરી. મિત્રો, એ તો એક સ્વતંત્ર લેખનો વિષય છે.નાનપણમાં ઘણા રેડિયો સેટ સાથે ધબકતો સંબંધ બંધાયો હતો. દરેક રેડિયો આજે પણ કાન સામે હૂબહૂ સંભળાય છે. રેડિયોનું સ્મરણ માત્ર સ્મરણો નથી જગવતું, સંવેદન પણ ઝંકૃત કરે છે.