પહેલા ડુંગળી અને લસણ હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા, એક જ મહિનામાં કેટલો વધારો થયો
ગુજરાતમાં ડુંગળી અને લસણ અને ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતાં. ત્યારે હવે ગરમીની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં ભડકો થયો છે. લીંબુના ભાવમાં એક જ મહિનામાં ત્રણ ગણા જેટલો ઉછાળો નોંધાયો છે. છેલ્લા એક મહિનાથી સતત લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
હાલમાં ગુજરાતમાં લીંબુની ઓછી આવક નોંધાઈ રહી છે. તેની અસર લીંબુના ભાવમાં જોવા મળી રહી છે. લીંબુનો ભાવ હાલમાં ગત માસ કરતા બેથી ત્રણ ગણો ઊંચો થઈ ગયો છે. ગત મહિને હોલસેલ શાકમાર્કેટમાં લીંબુનો પ્રતિ મણનો ભાવ 600 થી 800 રૂપિયા હતો તે હાલમાં 1800 થી 2000 રૂપિયા થઈ ગયો છે જ્યારે પ્રતિ કિલોના ભાવે જોવામાં આવે તો સો થી દોઢસો રુપિયાની આસપાસના ભાવે લીંબુ વેચાઈ રહ્યા છે.વર્ષની શરુઆતમાં જ ગુજરાતમાં લીંબુની આવક દક્ષિણ ભારત તરફથી આવતા હોય છે. જેમાં ખાસ કરીને હૈદરાબાદથી લીંબુની મોટી આવક આ દિવસોમાં થતી હોય છે.
જોકે દક્ષિણ ભારતમાં વાતાવરણની સ્થિતિએ લીંબુંની આવકમાં અસર પહોંચાડી છે.દક્ષિણના રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ લીંબુના પાકમાં ઉતારો ઓછો થયો છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં નવી આવક શરુ નહીં વધવાને લઈ ભાવ આસમાને આંબ્યા છે. જોકે નવી આવક સાથે ભાવમાં ઘટાડો થાય એવી આશા રાખવામાં આવી રહી છે.