રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By

સરદાર વલ્લભભાઈ પટેલ

140મી જન્મજયંતી વિશેષ

ભારત જેવા વિશાળ દેશના ગૃહપ્રધાનના બેન્ક ખાતાની સિલક રૂ. ૭૬૫!!

સરદાર... એક લોખંડી પુરુષનું સ્મરણ આજેય હૃદયને કેવું આંદોલિત કરે છે!

 

સરદાર... આઝાદ અખંડ ભારતના વિચક્ષણ ઘડવૈયા આજેય આપણી અંદર દેશભક્તિની કેવી મશાલ પ્રગટાવે છે!

સરદાર... જેમનાં વિચાર, વાણી, વર્તન અને વ્યવહારથી ઈતિહાસ સ્વયંમ ઋણી બન્યો...


૧૮૭૫ની ૩૧મી ઓકટોબરે જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની 140મી જન્મજયંતી આજે છે. દેશની આજની દશા અને દિશા જોતાં સરદારનું સ્મરણ વિશેષ સુસંગત બની રહે છે.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે છેક ૧૯૫૯ની ૧૩મી મેએ પોતાની અંગત ડાયરીમાં નોંધ્યું છે: ‘જેના વિષે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુનેહને ફાળે જાય છે, છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.’

સરદાર વલ્લભભાઇ પટેલ એવા અનોખા સરદાર હતા જે એક સંપૂર્ણ સમર્પિત સિપાઈ પણ હતા. સરદાર સાથે જવાહરલાલ નહેરુને અનેક મતભેદ હતા. રાષ્ટ્રપિતા ગાંધીજીના આશીર્વાદથી નહેરુ આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા તથા સરદાર નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન બન્યા. સેંકડો રજવાડામાં વિભક્ત ભારતને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય સરદારની આગવી કોઠાસૂઝથી પાર પડયું. જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીરના ભારત સાથેનાં જોડાણ પૂર્વેની સમસ્યાઓ અને એ કેવી રીતે ઉકેલાઇ એ જગજાહેર છે. પાકિસ્તાને કાશ્મીર પર કરેલા દાવાનો મુદ્દો યુનોમાં લઇ જવાની તરફેણમાં સરદાર બિલકુલ નહોતા. નહેરુનો આગ્રહ હતો. એ માટેનાં એમની પાસે ત્યારે જે કારણો હતાં એ કેટલાં ‘સબળ’ હતાં એ કાશ્મીર સમસ્યાના આજ સુધીના ઈતિહાસે પુરવાર કરી દીધું છે.

સ્વાતંત્ર્ય સંગ્રામના કર્મઠ સેનાની એવા જૂના વિશ્ર્વાસુ સાથી તથા પ્રવર્તમાન સ્થિતિના તલસ્પર્શી અભ્યાસી ગૃહપ્રધાનના અભિપ્રાય અને અભિગમને આદર્શવાદી વડા પ્રધાને ન સ્વીકાર્યો. એનાં ભારતે કેવાં-કેટલાં ઘાતક પરિણામો ભોગવવાં પડયાં છે એની વિગતો આપવાની કોઈ જરૂર નથી.

૧૯૫૦ની ૧૫મી ડિસેમ્બરે તો સરદારે અંતિમ શ્ર્વાસ લીધા.

આવા મહામાનવ સરદારને પણ આઝાદ ભારતના શાસકોએ જાહેર સ્તરે ક્રમશ: અને પદ્ધતિસર ભુલાવી દીધા. એના મૂળમાં નહેરુ- ગાંધી પરિવારની ક્ધિનાખોરીભરી દૃષ્ટિ હતી એમ કહેવામાં ભાગ્યે જ થોડી અતિશયોક્તિ હશે. આ પરિવારે જ દેશ પર સૌથી વધુ લાંબો સમય શાસન કર્યું છે એટલે એમની ઈચ્છા કે એમના આદેશ વગર તો સરદારની આવી ઉપેક્ષા થઈ જ ન શકે. સરદાર પોતે કે એમનો પરિવાર આ બધાંથી કેટલા જોજન છેટો હતો!

સરદારના અવસાન પછી એમનાં અંગત મંત્રી એવાં પુત્રી મણિબહેને વિના વિલંબે સરકારી બંગલો ખાલી કરી દીધો. બંગલામાંથી સમેટવાની અંગત વસ્તુઓ જ એટલી ઓછી હતી કે એમાં એમને કોઈ તકલીફ ન પડી. એ વખતે મણિબહેને સરદારનું બેન્ક ખાતું પણ બંધ કરાવ્યું ત્યારે અંદર સિલક હતી રૂ. ૭૬૫ની! (કોઇકે એ સિલક રૂ. ૨૭૮ હોવાનું પણ નોંધ્યું છે) ભારત જેવા વિશાળ દેશના ગૃહપ્રધાનના બેન્ક ખાતાની સિલક રૂ. ૭૬૫!! આ એક હકીકત પછી એમના આદર્શો, એમની નિસ્પૃહિતા વિષે કંઈ ઉમેરવાનું શેષ રહે છે?

સરદારના પુત્ર ડાહ્યાભાઇ પટેલ તથા ડાહ્યાભાઈના પુત્રો બિપીનભાઇ અને ગૌતમભાઇ જાહેર જીવનમાં પડયા જ નહીં.

સરદાર એ માટીના બનેલા હતા કે આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન બનવાનું પણ સહજ નિર્લેપતાથી એમણે જતું કરેલું. ગાંધીજીની ઈચ્છાને પોતાને માટેની અંતિમ આજ્ઞા ગણનારા વલ્લભભાઈ આથી જુદું કંઇ કરી જ ન શકે. ઈતિહાસ રચવાની આટલી મોટી તક આ કારણસર બીજો કયો માનવી જવા દઇ શકે? જોકે, એ વાત જુદી છે કે એ તક જવા દઇને સરદારે કેવો અનોખો ઈતિહાસ રચ્યો છે!

(કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પણ તાજેતરનાં વર્ષોમાં દેશનાં વડાં પ્રધાન બનવાની પૂરેેપૂરી તક હતી. એમણે પણ એ તક જતી કરી. મનમોહન સિંહને વડા પ્રધાન બનાવ્યા એટલી વાત પ્રશંસનીય જરૂર છે, પરંતુ એનાં કારણાં સાવ જુદાં હતાં એ ભૂલવા જેવું નથી.).

ઉપેક્ષાનું આક્રમણ સરકારી સ્તરે હોય ત્યારે શુંનું શું થાય! ૧૯૭૫ની ૩૧મી ઓકટોબરે સરદારની ૧૦૧મી જન્મજયંતી હતી. એના ચાર જ મહિના પૂર્વે ત્યારનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં પહેલી (અને આજ સુધીની છેલ્લી) વાર કટોકટી લાદેલી. ત્યારે સરકારી તંત્ર ઉપરાંત માધ્યમો પર જે પાશવી અંકુશ હતો એમાં ક્યા અખબાર-સામયિકે આ ઐતિહાસિક અવસરે સરદારને કેવી- કેટલી અંજલિ આપેલી એ બહુ યાદ કરવા જેવું નથી. એમાં સરકારી તંત્રના ડરની સાથે સાથે તંત્રીઓ- સંચાલકોની દૃષ્ટિ- સમજણનો અભાવ પણ કારણભૂત ખરો જ. કટોકટીનાં ૧૮ વર્ષ પછી (૧૯૯૩માં) ગુજરાતી કેતન મહેતા દિગ્દર્શિત ‘સરદાર’ ફિલ્મ (પટકથા: વિજય તેન્ડુલકર, હૃદય લાની) રજૂ થઈ. એમાં સરદાર પટેલની ભૂમિકા વેધક ઊંડાણથી ભજવનાર સશકત ગુજરાતી અભિનેતા પરેશ રાવલે એકવાર અંગત વાતચીતમાં દિલનો ઊભરો કાઢેલો. એ વર્ષે શ્રેષ્ઠ વિદેશભાષી ઑસ્કર એવૉર્ડ માટેની સ્પર્ધામાં ભારત તરફથી ‘રુદાલી’ ફિલ્મ મોકલાયેલી અને ‘સરદાર‘ને સ્થાન નહોતું મળ્યું. પરેશ રાવલનું કહેવું હતું કે ‘બધી યોગ્યતા છતાં સરદાર પ્રત્યેની કૉંગ્રેસની ક્ધિનાખોરીને કારણે જ ‘સરદાર’ આ ઑસ્કર સ્પર્ધામાં મોકલવા માટે પસંદ ન થઈ. જીવનમાં બીજી વાર આવી ભૂમિકા ક્યારે કરવા મળશે?’

સરદારે ગુજરાતી હોવાને કારણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં નહોતું ઝુકાવ્યું કે ગાંધીજી ગુજરાતી હતા એટલે પણ નહીં. પરંતુ આપણે ગુજરાતી તરીકે ગુજરાતના એક ગૌરવશાળી પુત્ર સરદાર પર પાથરવામાં આવેલા સરકારી ઉપેક્ષાના અંધારાને દૂર કરી સરદારનાં વિચારો, ઉચ્ચારણો, કાર્યો એમ સમગ્ર જીવનને આજની પેઢી સમક્ષ પ્રસ્તુત કરવા પ્રવૃત્ત થઈએ. સરદારમાંથી પ્રેરણા લેવા જેવું કેટલું બધું છે? તો પછી એનો લાભ આપણે સૌ ગુજરાતીઓ લઈએ તથા દેશ અને દુનિયાને પણ આપીએ. લોખંડી પુરુષ સરદારની લોખંડથી બનેલી વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (એકતાની પ્રતિમા) ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી કરી ચૂકયા છે. વિશ્ર્વની આ સૌથી મોટી પ્રતિમા હશે એવાં એમનાં અરમાન છે.

 વડા પ્રધાનપદ પોતાનું આ વિશાળ સ્વપ્ન સાકાર કરી શકે તો કેવું સારું! સરદાર, વલ્લભભાઇ પટેલનું પ્રદાન આવી સંભવિત પ્રતિમાથી અનેકગણું મોટું અને ઊંચું છે. આવો, દેશની વર્તમાન સ્થિતિને બદલવામાં એમની જન્મજયંતીના અવસરે એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ.