ભારત જોડો યાત્રા: સાવરકરનું બૅનર છપાવનાર નેતાની કૉંગ્રેસમાંથી હકાલપટ્ટી
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' દરમિયાન બુધવારે પાર્ટીએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.
રાહુલ ગાંધીને આવકારવા માટે છપાવવામાં આવેલા બૅનરમાં પાર્ટીના અન્ય નેતાઓની સાથે હિંદુવાદી વિચારક વિનાયક દામોદર સાવરકરની તસવીર પણ છપાઈ ગઈ હતી.
સ્થાનિક મીડિયા સંસ્થા 'મનોરમા ઑનલાઇન' દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રમાણે, નેદમ્બસરી વિસ્તારના 'ઇન્ટુક'ના (ઇન્ડિયન ટ્રૅડ યુનિયન કૉંગ્રેસ) વડા સુરેશ દ્વારા આ બૅનર છપાવવામાં આવ્યું હતું અને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાક્રમની જવાબદારી સ્વીકારતા સુરેશે કહ્યું, "આ બૅનર 88 ફૂટ લાંબુ હતું. હું અન્ય કામોમાં વ્યસ્ત હતો એટલે પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી દ્વારા ચૂંટવામાં આવેલા 20 સ્વાતંત્ર્યસેનાનીઓની તસવીરનું વૅરિફિકેશન કરી નહોતો શક્યો અને કર્મચારીને સાવરકર કોણ છે, તેના વિશે જાણ નહોતી. "
તેમણે એવું પણ ઉમેર્યું હતું. "બૅનરનું છાપકામ અને તેને લગાડવાનું કામ રાતોરાત હાથ ધરવામાં આવ્યું હતું."
જ્યારે લોકોએ આ બૅનર તથા વીડિયોની તસવીરો લેવાનું શરૂ કર્યું,ત્યારે કૉંગ્રેસના સ્થાનિક ધારાસભ્યે છબરડા વિશે સુરેશનું ધ્યાન દોર્યું હતું.
પાર્ટી કાર્યકરોએ સાવરકરની તસવીર ઉપર મહાત્મા ગાંધીની તસવીર લગાડીને ઢાંકપછેડો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. એ પછી પાર્ટી દ્વારા બૅનરને જ હઠાવી દેવામાં આવ્યું હતું.