નારાયણ સરોવર નર્મદા નીરથી ભરાશે કચ્છમાં પાણી - રૂપાણીની ઘાસચારાની સ્થિતિની સમીક્ષા
કચ્છનું નારાયણ સરોવર તળાવ પણ નર્મદાના નીરથી છલોછલ ભરવામાં આવશે. અછતનો સામનો કરતા કચ્છી માડુઓ સાથે કેન્દ્રની અને રાજ્યની સરકાર છે તેથી કોઇ મુશ્કેલી નહીં સર્જાય પાણી પ્રશ્ર્નને ગંભીરતાથી લઇને લોકોને તથા પશુ-પક્ષીઓ માટે પણ પાણીની અછત ન સર્જાય તે માટે કામગીરી કરવામાં આવશે, એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને સરહદી કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાત દરમિયાન દુષ્કાળગ્રસ્ત ગ્રામીણ વિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ તેમ જ કેટલ કેમ્પ-ઢોરવાડાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
અધિકારીઓ સાથે બેઠક યોજીને આ અસરગ્રસ્ત જિલ્લામાં પાણી, ઘાસચારો, રોજગારી જેવા કાર્યોની માહિતી મેળવી હતી. કોટેશ્ર્વરમાં લખપત તાલુકાના અધિકારીઓની બેઠક યોજીને અછત રાહત કાર્યો માટે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છમાં હાલ 481 ઢોરવાડામાં ર લાખ 8પ હજાર પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. રરપ ઘાસ ડેપો અંતર્ગત 1 લાખ 17 હજાર ઘાસ કાર્ડ ધારકોના કુલ 3 લાખ 90 હજાર પશુઓને આવરી લેવાયા છે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાને ગત વર્ષની તુલનાએ રોજનું વધુ 10 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ટપ્પર ડેમને માર્ચ-ર019 સુધીમાં 1ર00 એમસીએફટી ભરવામાં આવ્યો છે.