ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 29 નવેમ્બર 2021 (12:07 IST)

ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે 10 દેશોમાંથી આવતા મુસાફરો માટે ગુજરાતમાં આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત

તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટને 'ચિંતાજનક વૅરિયન્ટ'ની યાદીમાં મૂક્યો છે.
 
આ વૅરિયન્ટના અનેક દેશોમાં કેસ જોવા મળતા વિવિધ રાષ્ટ્રો દ્વારા અલગઅલગ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. એવામાં ગુજરાત સરકારે શનિવારના રોજ 10 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે ઍરપૉર્ટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં યુરોપ, યુકે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલૅન્ડ અને ઝિમ્બાબ્વેથી આવતા મુસાફરોએ ઍરપૉર્ટ પર જ ફરજિયાત આરટીપીસીઆર ટૅસ્ટ કરાવવો પડશે.
 
ઓમિક્રૉન વૅરિયન્ટના શરૂઆતી કેસ દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, હૉંગકૉંગ, ઇઝરાયલ તેમજ બેલ્જિયમમાંથી મળી આવ્યા હતા.
 
ડબલ્યુએચઓ દ્વારા આ વૅરિયન્ટને 'ચિંતાજનક વૅરિયન્ટ'ની યાદીમાં રાખવા પાછળનું કારણ એ છે કે તેના ઘણા બધા મ્યૂટેશન્સ છે અને તે વૅક્સિનની અસર સામે વધારે પ્રતિરોધ કરી શકે છે.
 
આ ઉપરાંત દર્દીના શરીરમાં સંક્રમણના દરમાં વધારો કરવાથી લઈને ગંભીર લક્ષણો સુધી પણ દોરી જાય છે.