NEET 2021 પરીક્ષાને લઈને મોટો નિર્ણય, જૂની પેટર્ન મુજબ લેવામાં આવશે પરીક્ષા
NEET 2021 આ વર્ષે જૂની પેટર્ન મુજબ લેવામાં આવશે અને નવી પેટર્ન આવતા વર્ષથી લાગુ થશે. કેન્દ્ર સરકાર અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સે(National Board of Examinations) સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પોસ્ટ ગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-સુપર સ્પેશિયાલિટી (NEET-SS) 2021 જૂની પેટર્ન મુજબ લેવામાં આવશે અને નવી પેટર્ન આવતા વર્ષથી લાગુ થશે.
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે તેનાથી એવી છાપ પડે છે કે મેડિકલ એજ્યુકેશન એક બિઝનેસ બન્યો છે અને મેડિકલ નિયમો પણ એક ધંધો બન્યો છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાં જસ્ટિસ વિક્રમ નાથ અને બી વી નાગરત્ના પણ સામેલ હતા. ખંડપીઠે જણાવ્યું હતું કે આનાથી દેશમાં મેડિકલ શિક્ષણ એક ટ્રેજડી બની જશે.બેન્ચે કેન્દ્ર સરકારના વકીલને જણાવ્યું હતું કે “જો તમે દુરાગ્રહ રાખશે તો કાયદાના હાથ તમને આવું કરવા રોકવા માટે પૂરતા પ્રમાણમાં લાંબા છે.”
ખંડપીઠે નોંધ્યું હતું કે સામાન્ય રીતે સરકારી કોલેજમાં ક્યારેય સીટો ખાલી હોતી નથી અને પ્રાઇવેટ કોલેજમાં હંમેશા ખાલી હોય છે. “અમારું અનુમાન છે કે સરકારી કોલેજમાં સીટો ખાલી પડતી નથી. તે વાજબી અનુમાન છે. એવું લાગે છે કે સમગ્ર ઉતાવળ ખાલી સીટો ભરવા માટેની છે.”
આશરે બે કલાક લાંબી સુનાવણીમાં કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓ કરતાં વિદ્યાર્થીઓના હિતો ઘણા ઊંચા છે. ખાનગી સંસ્થાઓએ રોકાણ કર્યું છે અને હાલની સ્થિતિમાં સંતુલન રાખવાની જરૂર છે. ખંડપીઠે નોંધ્યું હતું કે હાલમાં તમામ સવાલ જનરલ મેડિસિનના છે. તેમાં બીજા તમામ ફીડર સ્પેશ્યાલ્ટીના વિદ્યાર્થીઓના ભોગે જનરલ મેડિસિનના વિદ્યાર્થીઓને વિશેષાધિકાર મળે છે. અભ્યાસક્રમમાં ફેરપારના મુદ્દે બેન્ચે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિશન (એનબીઇ)ના વકીલને જણાવ્યું હતું કે “ ઉતાવળ શું છે. તમારી પાસે 2018થી 2020 સુધીની એક્ઝામ પેટર્ન છે.”