સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારું ગુજરાત
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2023 (18:51 IST)

રાજકોટની સિટીબસમાં વૃધ્ધે ટિકિટ બાદ બાકીના પૈસા માંગતા કંડકટર અને ડ્રાઇવરે માર માર્યો

Rajkot City bus news-
Rajkot news- રાજકોટ મનપા સંચાલિત સિટીબસ સેવા વારંવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી રહે છે. ગઈકાલે તો બનેલી ઘટના ખૂબ શર્મસાર કરતી ઘટના છે. જેમાં રાજકોટ સિટીબસ સેવા નંબર 2માં કંડકટર અને ડ્રાઇવરે એક વૃધ્ધને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ શહેરમાં રહેતા નંદલાલભાઈ ઠક્કર નામના 69 વર્ષીય વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યું છે કે, તારીખ 04/05/2023ના સવારના 10:45 વાગ્યાની આસપાસ મારે ત્રીકોણબાગ ખાતે જવાનું હતું. જેથી હું ઇન્દિરા સર્કલથી સિટીબસ નં.2માં બેસેલ હતો. બસના કંડકટરને મેં 40 રૂપીયા આપ્યા હતા અને જણાવ્યું હતું કે, આખા દિવસની એક ટિકિટ આપો. જેથી કંડક્ટરે મારી પાસેથી 40 રૂપીયા લઇને આગળ બીજા પેસેન્જરની ટિકિટ ફાડવા માટે જતો રહ્યો હતો.

બાદ તે પરત મારી પાસે આવતા મેં કંડક્ટરને કહ્યું કે, મને ટિકિટ તથા મારા વધતા રૂપિયા પરત આપો. જે બાદ કંડક્ટરે મને 25 રૂપિયાની આખા દિવસની ટિકિટ આપી હતી અને મારા વધતા રૂપિયા પરત આપ્યા નહોંતા. જેથી મેં મારા વધતા 15 રૂપિયા પરત માંગતા કંડક્ટર મારી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો.​​​​​​​આ પછી મેં તેને ગાળો આપવાની ના પાડતા કંડક્ટર ઉશ્કેરાઇ ગયો અને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. એટલી વારમાં બસના ડ્રાઇવરે ત્રીકોણ બાગ ખાતે બસ રોડ પર સાઇડમાં ઉભી રાખી દીધી હતી. જે બાદ તે પણ બસની અંદર આવી અને મને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. એટલી વારમાં બસના કંડક્ટરે તેની પાસે રહેલ ટિકિટ મશીન માથામાં મારતા મારા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી બસમાં બેસેલ અન્ય પેસેન્જરે મને વધુ મારમાંથી છોડાવ્યો હતો. મારા માથામાંથી લોહી નીકળતુ હોવાથી હું બીજી બસમાં બેસીને સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ગયો હતો. જ્યાં મને માથામાં ટાકા આવ્યા હતા.​​​​​​​ જે બાદ સિવિલ હોસ્પિટલથી સારવાર લઇ અને વૃધ્ધાએ ઇજા પહોંચાડનાર બસ નં.2ના કંડક્ટર તથા ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે. જેથી ગાંધીગ્રામ પોલીસે બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.