ઉદ્ઘાટનના એક મહિનામાં જ 118 કરોડનો સુરતનો વેડ-વરિયાવ બ્રિજ બેસી ગયો
સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે ખૂબ મોટા મોટા બણગામ મુકવામાં આવી રહ્યા છે. પરંતુ સુરત મહાનગરપાલિકામાં થતો ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પોકારી રહ્યો છે. લોકોના કરોડો રૂપિયાનો ટેક્સ જાણે વેડફાતો હોય , નેતા અને અધિકારીઓ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને પોતાના ગજવા ભરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તાજેતરમાં જ ખૂબ મોટા ઉપાડે વેડ વરિયાવ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે નેતાઓ દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી હતી પરંતુ તેની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.
રૂપિયા 118 કરોડ જેટલી રકમ ખર્ચીને લોકો માટે સુવિધા ના નામે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની એક મહિના બાદ જ ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. આ બ્રિજના એક તરફના છેડાના ભાગનો આખો રેમ્પ બેસી ગયા હોવાનું સામે આવ્યો છે. બ્રિજની હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે વર્ષો પહેલા આ બ્રિજનું નિર્માણ થયું હશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માત્ર એક મહિના જેટલો ઓછો સમય થયા હોવા છતાં પણ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજની દયનીય સ્થિતિ દેખાઈ રહી છે.
વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વેડબરીયા બ્રિજની મુલાકાત લીધી હતી. બ્રિજની મુલાકાત લેતા તેમણે કહ્યું કે ભાજપના શાસકો માત્ર ભ્રષ્ટાચારમાં જ લિપ્ત છે. પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ આપીને બદલામાં માત્ર ભ્રષ્ટાચાર જ પ્રાપ્ત કરી રહી છે. એક મહિના જેટલો ઓછો સમય થયો હોય અને 118 કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચવામાં આવી હોય તો પણ આવી સ્થિતિ જોવા મળે એ ખરેખર દુઃખદ બાબત છે. બ્રિજના એક તરફનાનો છેડો બેસી ગયો છે. એક મહિનામાં આ પ્રકારની સ્થિતિ થવી એ ગંભીર બાબત છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ના નામે 1% ફી આપવામાં આવે છે. ઇન્સ્પેક્શન માટે 1% ટકા ફી આપીને કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે.કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા બ્રિજનો એપ્રોચ બેસી જતા અધિકારીઓ દોડતા થયા હતા.
આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ બ્રિજ ઉપર પહોંચી ગયા હતા અને સોશિયલ મીડિયામાં સતત વિડીયોનો મારો ચલાવ્યો હતો અને લોકો સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતા ની સાથે જ અધિકારીઓની ટીમ ધીરે ધીરે પહોંચીને ઇન્સ્પેક્શન શરૂ કર્યું હતું.