રેલવે લાઈન પર થતાં અકસ્માતોથી 393 સિંહોને બચાવી લેવાયા હોત તો આજે કુલ વસ્તીના 50 ટકાથી વધુ સિંહો જીવતા હોત
ગુજરાતમાં ગીરમાં વસતા સિંહોના મોતનો મામલો વધારે ચર્ચામાં આવી રહ્યો છે. તાજેતરમાં વિધાનસભામાં સિંહોના મોત અંગે કોંગ્રેસે સરકારને ઘેરી હતી. ત્યારે હવે રાજ્યસભામાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન સિંહોના મોતનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે 2020ના વર્ષમાં થયેલ સર્વે મુજબ 674 સિંહો ગુજરાતના ગીર જંગલમાં છે. વર્ષ 2018માં 193 સિંહો અને વર્ષ 2019માં 200 સિંહોનું મુત્યુ રેલ્વે લાઈન પર અકસ્માતોના કારણે થયું હતું. જો આ સિંહોને રેલ્વે લાઈન ઉપર થતા અકસ્માતોથી બચાવી લેવામાં આવ્યા હોત, તો આજે કુલ વસ્તીના 50 ટકાથી વધુ સિંહો જીવતા હોત. અકુદરતી મૃત્યુના 23 કિસ્સા નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે. અકુદરતી મોત માટે અનેક કારણો રહ્યા છે, જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, ગીરમાં વસતા માલધારીઓ હવે પલાયન કરી રહ્યા છે. જેના કારણે સિંહના કુદરતી ખોરાકમાં ઘટાડો થયો છે. વન વિભાગ આ સિંહોને ખોરાક માટે બહારથી મરેલા પશુઓ આપે છે. જેના કારણે સિંહોના મોતમાં વધારો થયાનો વિરજી ઠુમરે આક્ષેપ લગાવ્યો હતો. વિરજી ઠુમરે કહ્યું કે, એશિયાટિક સિંહો ગુજરાતનું ગૌરવ છે, ત્યારે આ અંગે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.વનમંત્રી ગણપતસિંહ વસાવાએ દાવો કર્યો હતો કે, સરકારે સિંહોના સંરક્ષણ માટે અનેક પગલાં ભર્યા છે. જેના કારણે સિંહોની વસ્તીમાં વધારો થયો છે. ગુજરાત સરકારના ગંભીર પ્રયાસોના કારણે સિંહોની વસ્તી વધી છે. સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા સીસીટીવી કેમેરા, મોનીટરીંગ અને ટ્રેકર્સ સહિતના પગલાં લેવાયા છે. અકુદરતી મોત અટકાવવા સરકારે રેપિડ એક્શન ટીમ અને રેસ્ક્યુ ટીમની રચના કરી છે. ચેકિંગ નાકા પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. અસુરક્ષિત કુવાઓને પેરાપીટ વોલ થી સુરક્ષિત કરાયા છે. જેના કારણે અકુદરતી બનાવો ઘટ્યા છે. સરકારે કોઈપણ સિંહને અભયારણ્યમાંથી બહાર ન મોકલ્યાનો વનમંત્રીએ દાવો કર્યો છે.