ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 નવેમ્બર 2019 (11:34 IST)

૮મા અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ, શહેર તરતી બોટીંગ લાયબ્રેરીની મળી ભેટ

પુસ્તકો નિઃસ્વાર્થ ભાવે માનવીના આજીવન મિત્ર બની રહે છે. મિત્રો તો સ્વાર્થી હોઇ શકે પરંતુ પુસ્તક માનવીને હરહંમેશ જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉર્જા આપવા સાથે માનવજીવનને ઉર્ધ્વગામી બનાવે છે. આજના સોશિયલ મિડીયા, ઇ-બુક્સ અને ઇન્ટરનેટ-વેબસાઇટના યુગ માં પણ પુસ્તકોનો સાથ ન છૂટવો જોઇએ. મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સતત ૮માં વર્ષે આયોજિત અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતાં કહ્યું કે, પરમાત્માનું સરનામુ આત્મા અને હ્દય છે તો સંસ્કૃતિનું સરનામુ પુસ્તક છે. વિજય રૂપાણીએ આ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ, કવિ સંમેલનો, સાહિત્ય ગોષ્ઠી જેવા ઉપક્રમોથી હોલીસ્ટીક લીટરેચર ફેસ્ટિવલનો લાભ શહેરીજનોને મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. 
તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ રસ્કીનના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. નેલ્સન મંડેલાએ ગાંધીજીના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી. આમ, પુસ્તકો જ માનવીની  પ્રગતિ માટે પ્રેરણારૂપ બની રહે છે. પ્રજાના મનના સુખ અને મનની  પ્રફુલ્લિતતા તથા હેપીનેસ ઇન્ડેક્ષ વધારવા માટે કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ સાથે પુસ્તક પરબ જેવા સંસ્કૃતિવર્ધક ઉપક્રમો દ્વારા શહેરીજનોના આનંદમાં વધારો થયો છે તેની સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે ફ્લોટીંગ લાયબ્રેરીનું નવું નજરાણું શહેરીજનોને ભેટ ધર્યું હતું. જેના દ્વારા શહેરના નાગરિકો રિવરફ્રન્ટની આહલાદકતા વચ્ચે પુસ્તક વાંચનનો આનંદ ઉઠાવી શકશે.
તેમણે કહ્યું કે, ગુજરાતી તરીકેની આપણી સામાન્ય છાપ લક્ષ્મીના આરાધક તરીકે છે પરંતુ સતત આઠમા વર્ષે પુસ્તક મેળાના સફળ આયોજન દ્વારા અમદાવાદ નગરજનોએ સાબિત કર્યું છે કે, આપણે માત્ર લક્ષ્મીના આરાધક જ નથી પરંતુ સરસ્વતીના ઉપાસક પણ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે થયેલ કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટથી શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાનો રોડમેપ તૈયાર થવા સાથે અમદાવાદ રહેવા અને માણવા લાયક શહેર બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
 
મુખ્યમંત્રીએ રૂા.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થનાર દાણાપીઠ મલ્ટીલેવલ કાર પાર્કીંગ,  ફાયર સ્ટેશન અને ફાયર કર્મચારીઓ માટેના સ્ટાફ કવાટર્સનું ડિજિટલી ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે સ્લમ વિસ્તારના નાગરિકોની આરોગ્ય સેવા માટે રૂા. ૮૪.૪૦ લાખના ખર્ચની ૫ મોબાઇલ મેડિકલ વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદના મેયર બિજલબેન પટેલે જણાવ્યું કે, પુસ્તક જ જ્ઞાનનો ફેલાવો કરી શકે છે. પુસ્તક તમારી પાસે હોય તો તમે એકલતા અનુભવી શકતા નથી. પુસ્તક શાંતિ અને શાતા આપે છે.