શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગર , શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (15:08 IST)

નવરાત્રી પહેલાં ગુજરાતના બે મહત્વના ધાર્મિક સ્થળો પર સાફ સફાઈ અભિયાન હાથ ધરાશે

pavagadh
pavagadh
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વનું પગલું ભરી રાજ્યમાં તે પર્વતો પર સ્વચ્છતા અભિયાન ચલાવવાની મંજૂરી આપી છે કે જ્યાં પ્રસિદ્ધ યાત્રાધામો છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.
 
રાજય સરકારના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)એ મુખ્યમંત્રી સમક્ષ યાત્રાધામો ધરાવતા આ પર્વતોની પવિત્રતા જાળવી રાખવા માટે ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની દરખાસ્ત મૂકી હતી કે જેને મુખ્યમંત્રીએ મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી દ્વારા મંજૂરી મળતાં જ જીપીવાયવીબીએ અંબાજીમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા પહેલા ગબ્બર પર્વત પર ‘પર્વત પવિત્રતા અભિયાન’ પ્રારંભ કર્યું છે. એટલું જ નહીં, નવરાત્રિ પ્રારંભ થતાં પહેલા પાવાગઢ અને ગિરનાર પર્વતોએ પણ મોટા પાયે સફાઈ કામગીરી શરુ કરવામાં આવશે.
 
જીપીવાયવીબીના સચિવ શ્રી આર. આર. રાવલે જણાવ્યું કે લાંબા સમયથી જણાતુ હતું કે અંબાજી, પાવાગઢ ખાતે આવેલ શ્રી મહાકાળી મંદિર તથા ગિરનાર તીર્થ જેવા યાત્રાધામો અરવલ્લી, પાવાગઢ અને ગિરનાર પર્વતો પર હોવાના કારણે આ પવિત્ર યાત્રાધામ પરિસરોની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં સફાઈ કામગીરી થઈ શકતી નહોતી. ઉપરથી અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરના ચોકથી કચરો સીધા પર્વતીય ખીણમાં ફેંકી દેવામાં આવે છે. પર્વતો પર આ રીતે ગંદગી થતા પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે અને પર્વતોની પવિત્રતાની સાથે જ જે તે યાત્રાધામની શોભા વિરુદ્ધ છબી ઉત્પન્ન થાય છે. તેથી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ યાત્રાધામ ધરાવતાં આવા ડુંગરો પર સ્વચ્છતા અભિયાન ચલાવવાની દરખાસ્ત મૂકી હતી કે જેને મુખ્યમંત્રીએ મંજૂરી આપી પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વની પહેલ કરી હતી.
 
મુખ્યમંત્રી દ્વારા આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ બોર્ડે તેમના માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત પર્વતીય પ્રદેશ પર સ્થિત પવિત્ર યાત્રાધામ પરિસરોની સ્વચ્છતા તથા આસપાસના ફિજિબલ-વિઝિબલ ડુંગરાળ વિસ્તારોમાં કચરો-ગંદગી સાફ કરવાની વ્યાપક સફાઈ ઝુંબેશ શરૂ કરવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે.શ્રી રાવલે જણાવ્યું કે ભાદરવી પૂનમના મેળાને ધ્યાને લઈ ગબ્બર પર્વત-અંબાજી પરિસરમાં ગત 4થી ઑગસ્ટથી ગબ્બર પર્વત સ્વચ્છતા અભિયાન પ્રારંભ કરી દેવામાં આવ્યું છે; જ્યારે શ્રી મહાકાળી માતા મંદિર-પાવાગઢ તથા ગિરનાર તીર્થ-ગિરનાર પર્વત ઉપર પણ આગામી નવરાત્રિ પહેલા વ્યાપક સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવશે.
 
જીપીવાયવીબી દ્વારા કરવામાં આવે છે ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા કામગીરી
જીપીવાયવીબી દ્વારા રાજ્યનાં આઠ મહત્વના યાત્રાધામો અંબાજી, શામળાજી, ડાકોર, પાવાગઢ, સોમનાથ, દ્વારકા, પાલીતાણા તથા જુનાગઢ-ગિરનાર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં એપ્રિલ-2018થી હાઈ એંડ ક્લીનલીનેસ (ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા) અભિયાન શરુ કરાયુ હતું. આ સફાઈ અભિયાન હેઠળ આ આઠ યાત્રાધામોમાં મંદિર પરિસર જ નહીં, પણ મંદિરને જોડતા મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર, ગબ્બર, વૉક-વે અને જ્યાં શ્રદ્ધાળુઓ/યાત્રાળુઓ/પ્રવાસીઓનો વધારે ઘસારો રહે છે, તેવા વિસ્તારોમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા કામગીરી કરવામાં આવી રહી છે.
 
અદ્યતન સ્વચ્છતા સાધનો, 1500 કરતા વધુ મૅનપાવર
રાજ્યનાં આ મહત્વના યાત્રાધામોમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા કામગીરી માટે અદ્યતન સ્વચ્છતા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં રાઇડ ઑન સ્વીપર મશીન, રાઇડ ઑન સ્ક્રબર મશીન, વૉક બિહાઇંડર સ્ક્રબર તથા વૉટર જેટ મશીનનો સમાવેશ થાય છે. આ યાત્રાધામોમાં દર 800 ચોરસ મીટરે 1 ડસ્ટબીન સહિત કુલ 1526 ડસ્ટબીનો અને દર 1500 ચોરસ મીટે 1 સફાઈ કામદાર સહિત કુલ 1526 કામદારોની વ્યવસ્થા કરાઈ છે. સુપરવિઝન માટે થર્ડ પાર્ટી ઇંસ્પેક્શન એજંસીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી જ રીતે દરેક યાત્રાધામ ખાતે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે કે જેમાં શ્રદ્ધાળુઓ/યાત્રાળુઓ સફાઈ કામગીરી અંગે બોર્ડની કચેરીના વ્હૉટ્સએપ કે ઈ-મેલ આઈડી પર ફરિયાદ કરી શકે છે. બોર્ડે એક સ્વચ્છતા એપ્લિકેશન પણ બનાવી છે કે જેમાં જઈ કચેરીમાંથી જ આઠે યાત્રાધામોની સફાઈ કામગીરીની તસવીરો જોઈ શકાય છે.
 
“પીએમના સ્વચ્છતા મિશનને સાર્થક કરવાનો પ્રયત્ન, શ્રદ્ધાળુઓ પણ આપે સહકાર”
જીપીવાયવીબીના સચિવ શ્રી આર. આર. રાવલે જણાવ્યું કે રાજ્ય સરકારનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છતા મિશન’ને ‘સ્વચ્છતા, ત્યાં પ્રભુતા’ના મંત્ર વડે સાર્થક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ સાથે જ તેમણે યાત્રાધામો પર આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ પ્રવાસીઓને પણ અપીલ કરી છે કે તેઓ આ પવિત્ર યાત્રાધામોમાં જ્યાં-ત્યાં ગંદગી ન ફેલાવી તથા સ્વચ્છતા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર તેમજ બોર્ડના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં સહકાર આપે. તેમણે જણાવ્યું કે પર્વતોની પવિત્રતા જળવાઈ રહેશે, તો પર્યાવરણને થતું નુકસાન પણ રોકી શકાશે.