વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટવાની ઘટનામાં શાળાનાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુ થયાં છે.
વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચાવાયેલાં બાળકો નજીકની સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.”
સ્થાનિક તંત્રના અધિકારીઓ અનુસાર બોટમાં 27 લોકો સવાર હતા. જેમાં 23 બાળકો અને ચાર શિક્ષક હતાં. હાલ, સ્થાનિક ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને તરવૈયાની ટીમ બચાવકાર્યમાં લાગેલી છે.
એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે પ્રવાસ માટે તળાવમાં પહોંચ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં 'વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ફંડ'માંથી મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
વડા પ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. જ્યારે વિપક્ષ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકાર પર નિશાન સાધતાં તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
ઘટનાની તપાસ અંગે હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે, “સમગ્ર મામલે વડોદરા પોલીસે એફઆઇઆર કરીને બે લોકોની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓને પકડવા માટે નવ ટીમોની રચના કરાઈ છે. કૉન્ટ્રેક્ટર સહિત તમામ સામે કડક કાર્યવાહી કરાશે.”
આ સિવાય તેમણે ઘટના દરમિયાન અને એ બાદ તંત્ર અને સરકાર દ્વારા લેવાયેલાં પગલાં અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે, “ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ, એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઑપરેશન બાદ તમામ અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. તેના માટે સરકારે ખાનગી ડૉક્ટરોને પણ તૈયાર રાખ્યા હતા.”
ઘટનાની તપાસ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “તપાસ અધિકારીઓ ગુનાહિત મામલાની તપાસમાં લાગેલા છે. સંપૂર્ણ ઘટનાની તપાસ જિલ્લા કલેક્ટરને સોંપાઈ છે. જેઓ દસ દિવસમાં પોતાનો અહેવાલ સોંપશે.”
બોટ સંચાલક અને કૉન્ટ્રેક્ટરની જવાબદારી નક્કી કરતાં તેમણે કહ્યું હતું કે, “પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર મામલામાં બોટ ચલાવનાર અને તેને મૅનેજ કરનાર લોકોનો દોષ છે, હું આ ઘટનાને ભૂલ નહીં કહું. આ સિવાય સુરક્ષા માટેની પૂરતી કાળજી પણ નહોતી લેવાઈ. ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા. ઉપરાંત માત્ર દસ લોકોને જ લાઇફ જાકીટ પહેરાવાયાં હતાં.”
કઈ રીતે ઘટી ઘટના?
સ્થાનિક અહેવાલો અનુસાર 'બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાયાં હતાં તેમજ બાળકો શિક્ષકો સાથે શાળાના પ્રવાસે પહોંચ્યાં હતાં.'
આરોપ કરાઈ રહ્યો છે કે બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે બોટિંગ વખતે લાઇફ જાકીટ પૂરાં પડાયાં નહોતાં, જેના કારણે બોટ પલટતાં બાળકોનાં મૃત્યુ થયાં.
સ્થળ પર પહોંચેલા ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લે સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, “શાળામાં ભણતાં બાળકો શિક્ષકો સાથે અહીં આવ્યાં હતાં. ઘટનામાં કેટલાંક બાળકોનાં મૃત્યુ થયાં છે.”
બોટ કેમ પલટાઈ?
સ્થળ પર હાજર એક વાલીએ જણાવ્યું હતું કે, “બોટમાં 30 બાળકો હતાં. અમને પહેલાં કોઈ જાણ નહોતી કરાઈ. માત્ર કહેવાયું હતું કે તમારું બાળક ગભરાઈ ગયું છે. એટલે અમે અહીં આવ્યા છીએ.”
સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શીતલ મિસ્ત્રીએ ઘટના અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, “ઘટના બાદ છ જણની બૉડી રેસ્ક્યુ કરી છે, અલગ અલગ અંદાજ સામે આવી રહ્યા છે. છ બૉડી કઢાઈ છે. અમે મુખ્ય કૉન્ટ્રેક્ટર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે બોટમાં 15 બાળકો હતાં.”
“આ સાડા ચાર વાગ્યાનો બનાવ છે. બોટનું બૅલેન્સ બગડતાં તે પલટી મારી ગઈ. આ ખૂબ
ચિંતાજનક મામલો બન્યો છે. કૉન્ટ્રેક્ટર પણ લાપતા થઈ ગયા છે. તેમને કેટલાં બાળકો હતાં એનો બરાબર અંદાજ નહોતો. તેમની વાત પરથી લાગી રહ્યું છે કે બોટમાં વધુ બાળકો બેઠાં હશે.”
જ્યારે તેમને લાઇફ જાકીટ વગર બોટિંગ મામલે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું કે, “આ તપાસનો વિષય છે. મેં એકેય બૉડી જોઈ નથી, પરંતુ કૉન્ટ્રેક્ટરનું કહેવું છે કે લાઇફ જાકીટ આપ્યાં હતાં.”
દુર્ઘટના અંગે કોણે શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું, “હરણી તળાવની ઘટનાથી વ્યથિત છું. આ દુ:ખની ઘડીમાં મારી લાગણીઓ અસરગ્રસ્ત કુટુંબો સાથે છે. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી કામના. સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે. મૃતકોનાં સગાંને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી બબ્બે લાખ રૂ. અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂ.ની સહાય કરાશે.”
ઘટનાને પગલે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'એક્સ' પર લખ્યું કે , "ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું."
તેમણે બચાવની કામગારી ચાલુ હોવાનું અને તાકીદે રાહત મળે એવી તંત્રને સૂચના આપી હોવાની પણ જાણકારી આપી હતી.
સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, “ઘટનામાં છથી સાત વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હોવાની સમાચાર મળ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.”
“ઘટના બાબતે મુખ્ય મંત્રીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. આવી ઘટના ન બનવી જોઈએ. ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.”
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, “બાળકો નિર્દોષ હતાં. આવી ઘટના નહોતી બનવી જોઈતી. તેમને તરતાં ન આવડતું હોય. જવાબદાર વ્યક્તિએ પૂરતી વ્યવસ્થા કરીને બાળકોને બેસાડવાનાં હોય છે. આ શરતચૂક થઈ છે. અત્યારે સ્થાનિક લોકો, સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે.”