ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 29 માર્ચ 2022 (11:07 IST)

લૂંટેરી દુલ્હન - અમદાવાદમાં પાંચમા લગ્ન કરીને યુવક દુલ્હનને ઘરે લાવ્યો, 15 દિવસમાં જ દુલ્હન રૂપિયા અને દાગીના લઈને ફરાર, યુવકે આપઘાત કર્યો

અમદાવાદમાં પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ અને દેવું થઈ જતાં આપઘાત કરવાના બનાવો સતત પ્રકાશમાં આવતાં હોય છે. પરંતુ શહેરમાં આપઘાત કરવાનો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક યુવકે ચાર વખત લગ્ન કર્યાં હતાં. ચાર લગ્નની નિષ્ફળતા બાદ તેણે મુંબઈના નાલાસોપારાની યુવતી સાથે પાંચમું લગ્ન કર્યું હતું. લગ્ન કર્યાના થોડાક દિવસમાં આ યુવતી દોઢ લાખ રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. ત્યાર બાદ યુવકને લાગી આવતાં તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો અને સુસાઈડ નોટમાં સાત લોકોના નામ લખ્યાં હતાં.

પોલીસે આ ઘટનામાં યુવકના પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરિયાદ હાથ ધરી છે. અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ પ્રમાણે અમદાવાદ નજીક બારેજમાં રહેતા મૃતક યુવકની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે પરિવાર સાથે ઘરે હાજર હતાં. આ દરમિયાન મોડી રાત્રે મારા દીકરાએ તેના રૂમમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. અમે તેના મરણની સંપૂર્ણ વિધી પુરી કરીને પરવાર્યા હતાં. આ દરમિયાન તેના રૂમમાં સાફ સફાઈ કરતાં હતાં. ત્યારે ઓશિકાના કવર પર તેણે ઉલ્ટી કરી હોવાથી તેને ધોવા લેવા જતાં તેની નીચેથી એક ચીઠ્ઠી મળી હતી.

આ ચીઠ્ઠી મેં મારા પતિને બતાવી હતી. જે મારા દીકરાએ જ લખેલ હતી. આ ચીઠ્ઠીમાં યુવકે રાજુભાઈ, આશાબહેન, અશ્વિન વલસાડ, મુકેશભાઈ, સુફિયાન, રાણીની બેન, રાણીની માતા અને રાણીનું નામ લખેલું હતું. જેમાં વિગત એવી લખેલી હતી કે, આ લોકોએ લગ્ન કરાવ્યા બાદ મારી સાથે નાત જાતનો ભેદ ભાવ રાખીને દોઢ લાખ રૂપિયા અને દાગીના પડાવી લીધાં છે. હું છોકરીને રાખવા તૈયાર છું પણ તેઓ મોકલવા તૈયાર નથી અને મેં દાગીના તથા રોકડા આપ્યાં છે તે સ્વીકારવા પણ તૈયાર નથી. જેથી હું આ પગલું ભરી રહ્યો છું. મારે ઘણું જીવવું હતું પણ આ બાબતને લઈ લાગી આવતાં હવે જીવવું નથી. જેથી મેં આ પગલું ભર્યું છે.

યુવકની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું બારેજા ખાતેની નવજીવન હોસ્પિટલમાં રાતના સમયે નોકરી કરતી હોવાથી ત્યાં નોકરી કરતી મુસ્કાન નામની છોકરીના લીધે મારે તેની માતા સુફિયાન સાથે ઓળખાણ થઈ હતી. આ સુફિયાનાએ મારા દિકરાના લગ્ન કરાવી આપવાનું નક્કી કર્યું હતું.  તેમણે એક મુકેશભાઈ નામના વ્યક્તિ દ્વારા વલસાડ ખાતેથી એક છોકરી લાવી આપવાની વાત કરી હતી. ત્યાર બાદ 2જી ફેબ્રુઆરી 2022ના રોજ મારા દીકરા હિતેષની સાથે આ રાણી નામની છોકરીના વડોદરામાં લગ્ન કરાવ્યાં હતાં. આ છોકરી અમારા ઘરે 10થી 15 દિવસ સુધી રોકાઈ હતી. ત્યાર બાદ તે પોતાના પિયરમાં જવાનું કહીને જતી રહી હતી.