રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 નવેમ્બર 2020 (13:37 IST)

અમદાવાદમાં કર્ફ્યુ વચ્ચે કેન્દ્રની ટીમ પહોંચી, ગુજરાતનાં બીજાં ત્રણ શહેરોના કેવા છે હાલ?

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સર્તક બની છે.
 
શુક્રવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં વાઇરસના સંક્રમણની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી.
 
બેઠક બાદ અમદાવાદની સાથોસાથ સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવાો છે. જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી આ કર્ફ્યુ અમલમાં રહેશે.
 
ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા બીજાં રાજ્યો કરતાં વધારે હોવાથી કેન્દ્ર સરકારની હાઈ-લેવલની ટીમ ગુજરાત પહોંચી છે.
 
સરકારે જાહેર કરેલાં નિવેદન પ્રમાણે 'નેશનલ સેન્ટર ડિસીઝ કંટ્રોલ'ના ડૉક્ટર એસ.કે.સિંઘ આ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
 
અમદાવાદથી બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખના જણાવ્યા અનુસાર શહેરમાં હાલમાં કર્ફ્યુનું કડક રીતે પાલન થઈ રહ્યું છે.
 
તેમણે કહ્યું, "આવશ્યક સેવાઓ, જેમ કે દવા અને દૂધની દુકાનો તથા પેટ્રોલપંપ સિવાય તમામ દુકાનો, જગ્યાઓ બંધ છે. અમદાવાદની બહારથી આવતાં તમામ સરકારી કે ખાનગી વાહનો પર શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે."
 
"લગ્નમાં કંકોત્રી બતાવીને નજીકના સગાઓને જવા દેવાની મંજૂરી અપાઈ રહી છે."
 
સુરતમાં શનિવાર રાતથી કર્ફ્યુ લાગુ કરાશે ત્યારે દિવસ દરમિયાન આવાં દૃશ્યો જોવાં મળી રહ્યાં છે
 
નોંધનિય છે કે કર્ફ્યુ લૉકડાનમાં ફેરવાશે એવી આશંકાને પગલે અમદાવાદમાં શુક્રવારે મોટા પ્રમાણમાં લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદતા જોવા મળ્યા હતા.
 
સુરતથી સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીન જણાવે છે કે આ દરમિયાન સુરતમાં સ્થિતિ સામાન્ય છે. શાકમાર્કેટમાં લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.
 
અમીનના જણાવ્યા અનુસાર સુરતમાં લોકો નિયમિત રીતે ખરીદી કરી રહ્યા છે અને ખાસ આશંકાનો માહોલ જોવા મળી રહ્યો નથી.
 
વડોદરાથી બીબીસી સંવાદદાતા પાર્થ પંડ્યા જણાવે છે, "શનિવારથી વડોદરામાં પણ રાત્રિકર્ફ્યુનો અમલ થવાનો છે ત્યારે શનિવારે વહેલી સવારે ખંડેરાવ માર્કેટ સહિતનાં શાકભાજી અને ફળોનાં બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી."
 
"એ જ રીતે શુક્રવારે સાંજે વડોદરાથી અમદાવાદ જવા માટે વડોદરા એસટી ડૅપો પર લોકોનો ધસારો જોવા મળ્યો હતો."
 
"દુકાન, મૉલ, બજારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થાય એ માટે કોર્પોરેશનની ટીમો દ્વારા મૉનિટરિંગ કરવામાં આવશે."
 
"પોલીસ કમિશનરે જાહેરનામાના અમલ માટે શનિવાર સાંજથી તમામ પોલીસસ્ટેશન વિસ્તારોમાં ચેકપોસ્ટ અને કાફલા તહેનાત કરવાની સૂચના આપી છે."
 
અખબારી અહેવાલો પ્રમાણે વડોદરા અને અમદાવાદ વચ્ચેની સોમવારે સવારે 6 વાગ્યા સુધીની 700 બસ ટ્રિપ રદ કરવામાં આવી છે.
 
રાજકોટમાં કેવો માહોલ?
 
રાજકોટમાં કોરોનાના ભય વચ્ચે જોવા મળી રહેલી ભીડ
 
રાજકોટથી બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર બિપિન ટંકારિયા જણાવે છે, "લોકોમાં ખાસ આશંકા જોવા મળી રહી નથી. લોકો બજારોમાં ખરીદી કરતાં નજર પડી રહ્યા છે. રાજકોટમાં આજ રાતથી કર્ફ્યુનો અમલ કરાશે. જોકે, ટંકારિયાના જણાવ્યા અનુસાર હાલમાં લોકોમાં ખાસ આશંકા વર્તાઈ રહી નથી."
 
આ દરમિયાન રાજકોટમાં કોરોનાનાં પરીક્ષણોમાં વધારો કરી દેવાયો છે.
 
શહેરના સ્વાસ્થ્યઅધિકારી પંકજ રાઠોડે બિપિન ટંકારિયાને જણાવ્યું છે કે હાલ શહેરમાં સાત બૂથો પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
 
જ્યારે 21 આરોગ્યકેન્દ્ર, 50 ધનવન્તરીરથ, 25 સંજીવનીરથ કાર્યરત્ છે જ્યારે 18 જગ્યાએ સ્કૅનિંગની કામગીરી કરાઈ રહી છે.
 
કર્ફ્યુમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ?
 
જાહેર ઉપયોગિતાની સેવાઓ જેવી કે પેટ્રોલ પંપ, સીએનજી, એલપીજી, પીએનજી પંપ, પાણી સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજળીની સેવાઓ, ટેલિકૉમ્યુનિકેશનની સેવાઓ ચાલુ રહેશે.
પોલીસ, હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ, સંરક્ષણ, પોલીસ દળ, જેલ અને મહાનગરપાલિકાની સેવાઓ ચાલુ રહેશે.
જાહેર અને ખાનગી ક્ષેત્રની તમામ તબીબી સેવાઓ એટલે કે હૉસ્પિટલ અને મેડિકલ સહિતની સેવાઓ ચાલુ રહેશે. ફાર્માસ્યુટિકલની હોમડિલિવરીની સેવાઓ ચાલુ રહેશે.
દૂધ વિતરણ, આવશ્યક ચીજવસ્તુઓ અને તેનાં ઉત્પાદનનાં એકમો પણ ચાલુ રહેશે.
ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા અને ખાનગી સિક્યૉરિટી સેવાઓ ચાલુ રહેશે.
લગ્નપ્રસંગમાં સ્થાનિક પોલીસની મંજૂરી અનુસાર વ્યવસ્થા કરવાની રહેશે. જેમાં 200 જેટલાં મહેમાનોને આમંત્રણ આપી શકાશે. આ તમામનું લિસ્ટ પોલીસને આપવાનું રહેશે. રાત્રે લગ્ન હોય તો તેના અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી.
અંતિમસંસ્કારમાં વીસ જેટલી વ્યક્તિઓ સાથે કરી શકાશે.
રેલવે અને હવાઇયાત્રા કરનારા મુસાફરોને લેવા-મૂકવા તથા તેમને અવરજવર માટે માન્ય ટિકિટ સાથે જવા દેવામાં આવશે. અહીં ટેક્સી તથા રેડિયો કૅબ સેવાઓ ચાલુ રહેશે.
એટીએમની સેવાઓ તથા તમામ પ્રકારના માલસામાનનું પરિવહન ચાલુ રહેશે.
અમદાવાદમાં બે દિવસના કર્ફ્યુ દરમિયાન લેવાનારી તમામ પરીક્ષાઓ આપવા માટે વિદ્યાર્થીઓ જઈ શકશે. સીએ, એનઆઈસી, સીએસઆઈઆર અને એસસીની પરીક્ષા આપવા જનારા ઉમેદવારોએ એડમિશન કાર્ડ અને આઈડી કાર્ડ સાથે રાખવાં જરૂરી છે.
આ ઉપરાંત કર્ફ્યુ દરમિયાન અનિવાર્ય સંજોગોમાં અવરજવર માટે મંજૂરી લીધેલ હોય તેવી વ્યક્તિઓને જવા દેવામાં આવશે.