ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 એપ્રિલ 2021 (09:12 IST)

અમદાવાદમાં કોરોનાની ભયાનક સ્થિતિ, કેસ સતત વધતા ડેથસ્પોટ બનવા તરફ

અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જે ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. તે ચિંતાજનક છે.   શહેરમાં એક જ દિવસમાં કોરોનના નવા 2 હજાર 491 કેસ નોંધાયા છે. જ્યારે 24 લોકોના મોત થયા છે. છેલ્લા 3 દિવસથી બે હજારથી પણ વધુ કોરોના કેસ દરરોજ આવી રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે શહેરમાં કોરોનાના નવા કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. બુધવારે એક્ટિવ કેસની સંખ્યા 8 હજાર 605 ઉપર પહોંચી છે. માર્ચ 2020થી અત્યાર સુધી કોરોનાના 85 હજાર 132 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 2 હજાર 453 લોકોના મોત થયા છે.
 
રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 7 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7,410 નવા કેસ નોંધાયા છે અને 2642 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 24-24, રાજકોટ શહેરમાં 7, વડોદરા શહેરમાં 6, સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ અને જૂનાગઢ શહેર, સુરત, અને વડોદરા જિલ્લામાં 1-1 મળી કુલ 73 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં 6 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4995એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 87.26 ટકા થયો છે. 
 
13 એપ્રિલની સાંજથી 14 એપ્રિલની સાંજ સુધીમાં માત્ર અમદાવાદમાં જ  2491 અને જિલ્લામાં 53 નવા કેસ નોંધાયા છે.  ખાનગી હોસ્પિટલમાં આઈસીયુનાં માત્ર 25 બેડ અને 4 વેન્ટિલેટર સાથે કુલ 355 બેડ જ બચ્યાં છે. બીજી બાજુ કોર્પોરેશને યુદ્ધના ધોરણે જૂની વીએસ, શારદાબહેન અને એલજીને કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. આ ત્રણેય હોસ્પિટલ મળી કુલ 1770 બેડનો વધારો થયો છે. કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. બીજી બાજુ વેક્સિન લેનારાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બુધવારે 14,135 લોકોએ રસી મુકાવી હતી.
 
અત્યાર સુધીનો મૃત્યુઆંક 
 
કોરોનાના કેસ વધવાની સાથે સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે.  જાન્યુઆરીમાં 45, ફેબ્રુઆરીમાં 18 અને માર્ચ મહિનામાં 43 દર્દીના મૃત્યુ થયા હતા. આમ ત્રણ મહિનામાં કુલ 106 દર્દીના મૃત્યુ નીપજ્યા હતા. જેની સામે એપ્રિલના 14 દિવસમાં 154 દર્દીના મૃત્યુ છે. શહેરમાં કોરોનાના દર્દીઓ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં તેથી ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારી હોસ્પિટલો બાદ હવે ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ભરાઈ રહ્યાં છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલોમાં આઈસીયુ વીથ વેન્ટિલેટરના 418માંથી 414 પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં, માત્ર ચાર વેન્ટિલેટર ઉપલબ્ધ હતા.