ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (17:22 IST)

મહુવામાં કસ્તૂરબા ગાંધી બાલિકા ભવનની વિદ્યાર્થીઓનીઓ પર વોર્ડન દ્વારા થતો અત્યાચાર સામે આવ્યો

વિદ્યાર્થિનીઓ પાસે વાસણ, કપડાં અને  કચરા પોતા સહિત સંડાસ-બાથરૂમ સાફ કરાવવાના કામ કરાવાઈ રહ્યાં છે
 
ભાવનગરઃ દુર્ગમ વિસ્તારની અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત જાતિ અને લઘુમતિની કન્યાઓ માટે ઉચ્ચ પ્રાથમિક સ્તરે નિવાસી શાળા વ્યવસ્થા ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના સર્વ શિક્ષા અભિયાન હેઠળ સ્વતંત્ર યોજના તરીકે ચાલી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સાલોલી ગામમાં આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનની વિદ્યાર્થિનીઓની દયનીય હાલતના વીડિયો સામે આવ્યાં છે. 
 
વોર્ડનના માથા માંથી જૂ કાઢવાનું કામ કરાવાતુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાલોલી ગામમાં આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પર વોર્ડન દ્વારા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાના વીડિયો વાયરલ થયા છે. વિદ્યાર્થિનીઓ પાસે વાસણ સાફ કરવા, કપડાં ધોવડાવવા અને  કચરા પોતાં અને સંડાસ-બાથરૂમ સાફ કરાવવાના પણ કામ કરાવાઈ રહ્યાં છે. વોર્ડનના માથા માંથી જૂ કાઢવાનું કામ પણ વિદ્યાર્થિનીઓ પાસે કરાવવામાં આવી રહ્યું છે. 
 
વિદ્યાર્થીઓ પર ત્રાસના વીડિયો પણ વાયરલ થયા
સાલોલીના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનમાં  મહિલા વોર્ડન-હેડ ટીચર તરીકે તૃપ્તિબેન જોષી ફરજ બજાવી રહ્યા છે. વોર્ડન તૃપ્તિબેનના પતિ નજીકના વેજોદરી ગામમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને આ ભવનની હોસ્ટેલમાં અડ્ડો જમાવીને રહે છે. ક્યારેક આ શિક્ષક તેના મિત્રોને બોલાવીને જમણવાર વગેરે પાર્ટીઓ પણ કરે છે. જેના વીડિયો પણ વાયરલ થયા છે. ભાવનગરમાં 12 અને સમગ્ર રાજ્યમાં 245 જેટલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવન ચાલે છે. 
 
જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત
સાલોલીના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનમાં વોર્ડનનો પતિ જ બાલિકાઓના હોસ્ટેલને પોતાનું ઘર બનાવી રહેવા લાગ્યો છે. મહુવા તાલુકાના સાલોલી ગામ અને અને નીચા કોટડા ગામમાં આવેલા બંને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનમાં આવી અવ્યવસ્થા અંગે ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. હવે આ વિડીયો વાયરલ થયા બાદ કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું.