શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑગસ્ટ 2023 (09:42 IST)

સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટો વિવાદ

sarangpur
sarangpur

સાળંગપુર (Salangpur) કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંત ચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે. ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજીના અપમાનના આરોપ બદલ ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે. વિવાદ છે કે, સાળંગપુર ધામમાં થોડા સમય અગાઉ જ સ્થાપિત કરાયેલી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા, જેનું નામ 'કિંગ ઓફ સાળંગપુર' છે. આ વિશાળ અને વિશ્વ વિખ્યાત હનુમાનજીની પ્રતિમાની નીચેના ભાગમાં કોતરણી કરીને કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે, જે હનુમાનજીનું અપમાન હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. 
 
શા માટે થયો વિવાદ?
હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજી સહજાનંદ સ્વામીની સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં નજરે પડી રહ્યા છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નિલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠેલા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે બે હાથ જોડીને નિલકંઠવર્ણીને નમસ્કાર કરતા હોય તેવું દર્શાવાયું છે. આ ચિત્રો પરથી જ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કરાયો છે. ભક્તોની લાગણી દુભાઈ હોવાનો પણ આરોપ લગાવાયો છે. આ પ્રકારના ભીંતચિત્રો બનાવવા પાછળનો શું ઉદ્દેશ્ય છે તેવા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
 
સાળંગપુર હનુમાનજી મંદિરે અંકિત કરવામાં આવેલી કેટલીક ભીંત કૃતિઓ મૂળ ધાર્મિક વાતો કરતા વિપરીત રીતે દર્શાવવામાં આવી હોવા બાબતે કેટલાક લોકો તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી ટીકા કરી વિરોધ શરૂ કરવામાં આવતા વિવાદના બીજ રોપાયાં છે.
 
સાળંગપુરમાં હનુમાનજીના નિંદાપાત્ર મૂક્યા છે ચિત્રોઃ હરી આનંદ સ્વામી
સાળંગપુર મંદિર પરિસરમાં સ્વામીનારાયણ ભગવાનની સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે, જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેમ લાગી રહ્યું છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે મહંત હરી આનંદ બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.