ભાજપના સાંસદો અને નેતાઓ શા માટે વીમા કંપનીઓનો વિરોધ કરે છે એનું કારણ આ છે
કૉંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના મતે છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ધારાસભ્યો અને સાંસદો એટલા માટે પાકવીમાનો વિરોધ કરી રહ્યા છે કારણ કે સરકારને તેમણે પાકવીમાના કરારમાં કરેલી ભૂલનો અંદાજ આવી ગયો છે. વસોયાએ આક્ષેપ કર્યો છે કે સરકારે વીમાના કરારમાંથી એક જોગવાઈ કાઢી નાખી છે જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની ભોગવવાનો વારો આવી શકે છે. આ કરારમાંથી જો એ જોગવાઈ ના કાઢી હોય તો સરકાર મીડિયા અને તેમની સામે આ કરાર જાહેર કરે તેવી વસોયાએ માંગણી કરી છે. વસાયોના મતે આ ભૂલના કારણે સરકારને અપજશ ભોગવવાનો વારો આવી શકે તેમ છે અને આવું ન બને એટલે જુદા જુદા રાહત પેકેજો જાહેર કરી અને સંસદમાં તેમજ ધારાસભ્યો દ્વારા વીમા કંપનીઓનો વિરોધ કરાવી સરકાર બચવાનો પ્રયાસ કરી રહી છે. વસોયાએ જણાવ્યું કે “સરકારે આ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના કરારમાં વીમા કંપનીઓ સાથે કરેલા કરારમાંથી એક જોગવાઈકાઢી નાખી છે. આ જોગવાઈ મુજબ ખેડૂતોનો પાક ખેતરમાં તૈયાર થઈ ગયો હોય અને વરસાદ આવે તો વળતર આપવું. પરંતુ સરકારે આ જોગવાઈ કાઢી નાંખી છે તેવું મારા ધ્યાને આવ્યું છે. આથી ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે અને પારવાર નુકશાની ભોગવવી પડશે. આ અપજશથી બચવા માટે સરકારે રાહત પેકેજો આપી રહી છે અને તેમના સાંસદો અને ધારાસભ્યો પણ વીમા કંપનીનો વિરોધ કરી રહ્યા છે.” લલિત વસોયાએ માંગણી કરી છે કે જો સરકારે કરારમાંથી આ જોગવાઈ ન કાઢી નાંખી હોય તો મારી સમક્ષ અને રાજ્યની મીડિયા સમક્ષ કરાર જાહેર કરે. ખેડૂતોને પાક વીમાનું વળતર નહીં મળતા મોટી નુકશાની ભોગવવાનો વારો આવશે તેવી દહેશત પણ વસોયાએ વ્યક્ત કરી છે.