શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરેન્દ્રનગર , શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (17:13 IST)

સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળામાં બાળકો ક્લાસમાં હતા અને શિક્ષકો દરવાજો લોક કરીને જતા રહ્યાં

children locked in school
children locked in school
 જિલ્લાના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો ક્લાસરૂમમાં હતા અને શિક્ષકો લોક કરીને ઘરે જતા રહેતા વાલીઓ રોષે ભરાયા હતાં.શાળાના બાળકોએ આક્રાંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતા. શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. બાળકોને શાળામાં બંધ જોઇ વાલીઓએ આક્રોશ ઠાવ્યો હતો. બીજી તરફ તાલુકા શિક્ષણાધિકારીએ શિક્ષકોનો બચાવ કરતાં કહ્યું હતું કે,શિક્ષકોને એમ હતું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે બાદમાં જાણ થતાં શિક્ષકોએ જ આવીને બળકોને બહાર કાઢ્યા હતા. 
 
વાલીઓએ શિક્ષકોનો રીતસરનો ઉધડો લઈ હલ્લાબોલ કર્યો 
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં 21 જેટલા બાળકોને બંધ કરી શિક્ષકો જતા રહ્યા હતા. આ બાદ ગભરાયેલા બાળકો રડવા માંડતાં આસપાસના લોકો પણ શાળામાં દોડી ગયા હતાં. શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓએ શાળાનો ગેટ તોડી નાખ્યો હતો અને બાળકોને બહાર કાઢ્યા હતા. આ બનાવમાં શાળામાં બંધ થઇ ગયેલા તમામ 21 બાળકો પહેલા ધોરણમા અભ્યાસ કરે છે. આ બાળકોના વાલીઓએ શાળામાં દોડી જઈ શિક્ષકોનો રીતસરનો ઉધડો લઈ હલ્લાબોલ કર્યો હતો. ગામના આગેવાનો દોડી આવતા સમજાવટના અંતે દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ મામલો થાળે પડ્યો હતો.
 
શાળાના આચાર્યને નોટીસ આપવાની તજવીજ હાથ ધરી
આ અંગે તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકીએ મીડિયાને જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં મે આ બનાવની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, ફત્તેપુર ગામમાં કોઈ તિથિ ભોજન હતુ. જેમાં બાળકો ત્યાં ભોજન માટે ગયા હતા. શાળાના શિક્ષકો જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે એમને થયું કે બધા બાળકો ઘેર જતા રહ્યાં છે. એટલે એ લોકો બહારની જાળી લોક કરીને નીકળી ગયા હતા.એમણે બાળકો શાળામાં બંધ થયાનું ધ્યાનમા આવતા તેઓ તરત જ પાછા સ્કૂલમા આવીને દરવાજો ખોલીને બાળકોને બહાર કાઢ્યા હતા. આ બાબતે શાળાના આચાર્ય ગોવિંદભાઇને બોલાવી એમનો ખુલાસો લેવાની સાથે નોટીસ આપવાની તજવીજ હાથ ધરી છે.