ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ, 4ના મોત, 8 હજારથી વધુ એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. મંગળવારે 1730 નવા કેસ સામે આવ્યા હતા. આ અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ મળનાર કેસ છે. આ પહેલાં સોમવારે 1640 કેસ નોધાયા હતા. સૌથી વધુ 577 કેસ સુરતમાં નોંધાયા હતા. ત્યારબાદ અમદાવાદમાં 509, વડોદરામાં 162, રાજકોટમાં 162 કેસ નોંધાયા હતા. હવે રાજ્યમાં દર્દીઓની સંખ્યા 2,90,379 પર પહોંચી ગઇ છે.
તો ગત 24 કલાકમાં કોરોનાના કારણે ચાર લોકોના મોત થયા છે. તેમાં બે મોત સુરત અને બે મોત અમદાવાદમાં થયા છે. મોતનો કુલ આંકડો 4454 પર પહોંચી ગયો છે. ગત 24 કલાકમાં 1255 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 2,77,603 લોકો કોરોના વાયરસને માત આપી ચૂક્યા છે.
તો બીજી તરફ એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે. રાજ્યમાં હાલ 8318 સક્રિય દર્દીઓ છે. આ સાથે જ રિકવરી રેટ 94.01 ટકા થઇ ગયો છે. રાજ્યમાં 31 દિવસોથી નવા દર્દીઓની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. અત્યારે 76 દર્દીઓ વેંટીલેટર પર છે. 8242 દર્દીઓની હાલત સ્થિર છે.