શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 નવેમ્બર 2020 (14:47 IST)

PM મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ –સારવાર સુવિધા અંગે ૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજી વિડીયો કોન્ફરન્સ

modi with rupani
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધાની સુજ્જતાનો જાયજો લઇ માર્ગદર્શન આપવા દેશના ૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી પ્રધાનમંત્રીને આપી હતી.
 
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકારે કરી છે. સમગ્ર રાજ્યમાં અંદાજે પપ હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. આ બેડમાંથી ૮ર ટકા એટલે કે ૪પ હજાર જેટલા બેડ હજુ પણ ખાલી એટલે કે સંક્રમિતો માટે સરળતાએ ઉપલબ્ધ છે.
 
વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સંક્રમિત દરદીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં વિલંબ ન થાય અને ત્વરિત દાખલ કરાવી સારવાર શરૂ થઇ શકે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ વધુ પ્રભાવી બનાવી છે. એટલું જ નહિ, સંક્રમિત દરદીના હોસ્પિટલ પહોચતાં પૂર્વે જ તેના માટે બેડ, તબીબો અને આરોગ્ય સેવાઓ તૈનાત રખાય છે જેથી સારવારમાં કોઇ વિલંબ ન થાય. મુખ્યમંત્રીએ ગુજરાતે ૧૦૪ ફિવર હેલ્પલાઇનનો જે પ્રયોગ સફળતાપૂર્વક અપનાવ્યો છે તેની વિગતો પણ આ વિડીયો કોન્ફરન્સમાં આપી હતી.
 
તેમણે કહ્યું કે, આ સેવા અંતર્ગત લોકોને ઘરે બેઠા જ કોવિડ અંગે પરામર્શ તેમજ આરોગ્ય સેવા મળી રહે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ર.૭૮ લાખ લોકોએ આ ૧૦૪ હેલ્પલાઇનનો લાભ મેળવેલો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ માટે ટીમોની સંખ્યા વધારી દેવા સાથોસાથ કોવિડથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ધનવંતરી રથની સંખ્યા પણ ૧૧૦૦ થી વધારીને ૧૭૦૦ કરી છે તેની વિગતો પ્રધાનમંત્રી સમક્ષ આપી હતી.
 
તેમણે કહ્યું કે આ ધનવંતરી રથ ડોર સ્ટેપ – ઘર આંગણે ઓ.પી.ડી. સેવા ઉપલબ્ધ કરાવે છે. શરદી, ખાંસી, તાવ, બી.પી અને ડાયાબિટીસના દરદીઓને આ રથ મારફતે સારવાર સેવા આપવામાં આવે છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સોમવારે એક જ દિવસમાં ૧ લાખ બાવન હજાર લોકોએ આ ધનવંતરી રથ સેવાનો લાભ મેળવ્યો છે. 
 
વિજય રૂપાણીએ ટેસ્ટિંગ પ્રક્રિયાને પણ વધુ સઘન બનાવવાની વિગતો આપતાં જણાવ્યું કે, RCPTR અને એન્ટિજન્ટ ટેસ્ટિંગનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સોમવાર તા.ર૩ નવેમ્બરના એક જ દિવસમાં રાજ્યમાં ૭૦ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે.  મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરમાં કોરોના રોગગ્રસ્તો માટે હોમ આઇસોલેશનની વ્યવસ્થા અન્વયે ‘સંજીવની કોરોના ઘર સેવા’ની શરૂઆત કરી છે તેની ભૂમિકા આપી હતી. આવા ૭૦૦ જેટલા સંજીવની રથ દ્વારા દરરોજ અંદાજે ૩ હજાર કોલ્સ પર યોગ્ય કાર્યવાહી થાય છે એમ તેમણે કહ્યું હતું.
 
આ સેવા દેશભરમાં એક એવી વિશેષ સેવા છે જેમાં ડૉકટર્સ અને પેરામેડીકલ સ્ટાફ હોમ આઇસોલેશનમાં રહેલા સંક્રમિતોની નિયમીત રૂપે સાર-સંભાળ લે છે. આના પરિણામે સંક્રમિતોને ઘરે જ રહીને સારવાર મળે છે. એટલું જ નહિ, ગંભીર સ્થિતી વાળા દરદીઓ માટે હોસ્પિટલોમાં બેડ પણ સરળતાથી મળી રહે છે.
 
મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું કે, અમદાવાદ મહાનગરમાં સવાસો થી વધુ કિયોસ્ક અને ૭૪ અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના અંગેના ટેસ્ટ સતત કરવામાં આવે છે. હાઇ વે, રેલ્વે સ્ટેશન, મોટા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પણ મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. અમદાવાદમાં અત્યાર સુધી ૧૧ લાખ જેટલા ટેસ્ટ આ બધા જ માધ્યમોના ઉપયોગથી કરવામાં આવ્યા છે.
 
વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં વરિષ્ઠ નાગરિકો-વયસ્કોને કોવિડ સંક્રમણથી સુરક્ષિત રાખવા અને બહેતર ઇલાજ માટે વડીલ સુખાકારી સેવાના અભિનવ પ્રયોગની વિગતોથી પણ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. તેમણે ઉમેર્યુ કે, આ સેવા અન્વયે વરિષ્ઠ વડિલોની નિયમીત તપાસ કરીને જરૂરી દવાઓ આપવામાં આવે છે. ૧૮ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ આનો લાભ પણ મેળવ્યો છે. મુખ્યમંત્રીએ રાજય સરકારે કોરોના કેસોમાં અચાનક થયેલા વધારા સામે ‘સતર્કતા રાખીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મહાનગરમાં રાત્રિ કરફયુનો અમલ શરૂ કર્યો છે તેની પણ જાણકારી આપી હતી.
 
વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીને વિશ્વાસ આપ્યો કે, વધતા સંક્રમણને રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં જે રીતે પહેલાં કોરોના પર નિયંત્રણ મેળવ્યું છે તેમ હવે આ તબક્કામાં પણ કોરોના સંક્રમણના વ્યાપ પર નિયંત્રણ મેળવવામાં સફળ થઇશું એવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો. આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, સચિવો જોડાયા હતા.