ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (11:07 IST)

શહેરના 42000 મકાનોની છત પર વીજ ઉત્પાદન થાય છે, કુલ વપરાશની 35% રિન્યૂએબલ એનર્જી મેળવવામાં દેશમાં અવ્વલ

સમગ્ર દેશમાં સુરત કુલ વીજ વપરાશમાં સૌથી વધુ રિન્યુએબલ વીજળીનો ઉપયોગ કરવામાં પ્રથમ હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ‘નેશનલ સોલાર મિશન’ અંતર્ગત વર્ષ 2021-22 સુધીમાં દેશમાં કુલ 1 લાખ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટસ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક હતો. સુરતમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ 42,000થી વધુ મકાનોની છત પર 205 મેગાવોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પેનલ્સ લાગી ગઈ છે. જેના થકી વર્ષે 29 કરોડ યુનિટનું ઉત્પાદન એકમાત્ર સુરત શહેરમાં થઈ રહ્યું છે.
 
2016-17ના સર્વે મુજબ સુરતમાં 418 મેગાવોટની ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટ ઊભાં કરવાનો લક્ષ્યાંક હતો. જેમાં 49 ટકા સિદ્ધિ હાંસલ કરી લીધી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. પાલિકાએ પ્રથમ વર્ષ 2012-13 અને પછી વર્ષ 2016-17માં સર્વે કર્યો હતો. સોલાર રૂફટોપ પ્લાન્ટના ઈન્સ્ટોલેશન પાછળ સબસીડીની સાથે પાલિકાએ પણ પ્રોપર્ટી ટેક્સમાં વિશેષ રાહત આપી હોવાથી માંડ 6 વર્ષમાં જ શહેરમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
 
પાલિકાએ નક્કી કરેલા ટાર્ગેટ સામે આ ઉત્સાહે હાલમાં સ્થાપિત સોલાર પ્લાન્ટની ક્ષમતાની સામે 49% જેટલા લક્ષ્યાંકને હાંસલ કરી લેવાયો છે. કુલ 205 મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટ્સ થકી શહેરમાં વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન સોલાર એનર્જી થકી જ થઇ રહ્યું છે.
 
રિન્યૂએબલ વીજઉત્પાદનમાં સુરતનું દેશમાં 3.16% જ્યારે રાજ્યમાં 11.78% યોગદાન
સુરત શહેરનું રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપિત કરવામાં દેશમાં 3.16% તેમજ રાજ્યમાં 11.78 % જેટલું મહત્વનું યોગદાન નોંધાયું છે. આ સિદ્ધિ નેશનલ સોલાર મીશનમાં પણ આગવી હરોણમાં નોંધાઇ છે. પાલિકા કમિશનરે કહ્યું કે, સોલાર સિટીના નિર્માણ તરફ સુરત શહેરે મહત્વનું યોગદાન પૂરું પાડશે. હાલમાં 205 મેગાવોટની ક્ષમતાના સોલાર એનર્જી પ્લાન્ટ્સ થકી સુરત દેશના અન્ય મહાનગરોમાં અગ્રેસર છે.
 
સોલાર એનર્જી પ્લાન્ટ માટે 20થી 40 ટકાની સબસીડી મળે છે
 
1 કિ.વો.- 3 કિ.વો. સુધીની ક્ષમતા માટે 40 ટકા જેટલી રકમની કેપિટલ સબસીડી અપાય છે.
4 કિ.વો. - 10 કિ.વો. સુધીની ક્ષમતા માટે 20%
1 કિ.વો. - 500 કિ.વો. સુધીની ક્ષમતાના રૂફ્ટોપ ફ્લેટ અને એપાર્ટમેન્ટમાં કોમન વપરાશ માટે સોલાર પાવર પ્લાન્ટ માટે 20 ટકા જેટલી રકમની કેપિટલ સબસીડી હાલમાં સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.
BRTS પર શહેરના સૌથી મોટા સોલાર પ્લાન્ટ સ્થપાશે
સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરતા બનેલા સુરત શહેરમાં વધુ નવા વિન્ડ પાવર, બાયોગેસ પ્લાન્ટ તેમજ રુફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવાના આયોજન નક્કી કરાયાં છે. નાણાંકીય વર્ષ 2022-23ના બજેટમાં પણ સુરતના 108 કિમીના BRTS રૂટ પર PPP મોડલથી સૌથી મોટા પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરવાનું આયોજન કરાયું છે.