ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2024 (11:03 IST)

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મેટ્રો મેન્શન ફ્લેટમાં લાગી આગ, 41 વાહન બળીને ખાખ, 200 લોકોનુ રેસ્ક્યુ

ahmedabad fire
ahmedabad fire


અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી. આગ લાગતાંની સાથે ફ્લેટના રહીશો જાગી ગયા હતા, બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી હતી. આગમાં 39 જેટલા ટુ-વ્હિલર અને 3 રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. આગથી બચવા લોકો ધાબે જતા રહ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ 200 જેટલા લોકોને સહી સલામત ધાબેથી રેસ્ક્યૂ કર્યા હતા.
 
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મોડીરાત્રે  ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રોમેન્શન ફ્લેટના પાર્કિંગમાં ભીષણ આગ લાગી છે. જેથી ચીફ ફાયર ઓફિસર તેમજ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ઓફિસર સહિતના ફાયરના અધિકારીઓ નવ જેટલી ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડ પહોંચ્યું ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 
 
બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 50 જેટલા વાહનો પણ બચાવી લેવામાં આવ્યા છે. પાર્કિંગમાં આગ લાગવા મામલે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ મોડીરાત્રે કેટલાક અસામાજિક તત્વો પાર્કિંગમાં બેઠા હતા. જેને ફ્લેટના રહીશોએ ત્યાંથી ભગાડ્યા હતા. જેથી અસામાજિક તત્વો ધમકી આપીને ગયા હતા. પોલીસ આ અંગે આગળ તપાસ કરી રહી છે.