શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 માર્ચ 2021 (15:38 IST)

ગુજરાતની જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે

મહાનગર પાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારો પસંદ કરવા માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. ત્યાર બાદ મહાનગર પાલિકામાં ભાજપે જ્વલંત વિજય મેળવ્યા બાદ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દાઓ પર વરણી કરવા માટે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આજે રાજ્યની છ મહાનગર પાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂંક કરી દેવામાં આવી છે. ત્યારે હવે ફરીવાર આગામી બે દિવસમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોના નામ નક્કી કરવામાં આવશે.  પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 28મી ફેબ્રુઆરીએ રાજ્યમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ બીજી માર્ચે આવ્યું હતું. જેમાં ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યાં હતાં અને ભવ્ય વિજય મેળવીને વિધાનસભામાં 150 બેઠકો મેળવવાનો ટાર્ગેટ નક્કી કરી દીધો હતો. હવે જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખો માટે આગામી બે દિવસમાં મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખો માટેના નામો નક્કી કરવામા આવશે.  ચાર દિવસ સુધી મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હાજર રહેશે. જેમાં એક દિવસ નગરપાલિકા, એક દિવસ તાલુકા અને એક દિવસ જીલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેની પસંદગી માટે ફાળવામાં આવશે. જ્યારે સર્વ સમતિ ન સધાય હોય તેવા વિષયો માટે છેલ્લો દિવસ ફાળવવામાં આવ્યો છે. તમામ 6 મહાનગરપાલિકા કબજે કર્યા બાદ ભાજપે કુલ 81માંથી 75 નગરપાલિકા, તમામ 31 જિલ્લા પંચાયતો તથા કુલ 231માંથી 196 તાલુકા પંચાયતો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 3 નગરપાલિકા અને 33 તાલુકા પંચાયતોમાં વિજય મળ્યો હતો.