રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (12:03 IST)

પરીક્ષાઓ 31 માર્ચ પહેલા લેવાનો આદેશ પણ હજી 10 ટકા કોર્સ બાકી

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે 31 માર્ચ પહેલાં તમામ સ્કૂલોને વાર્ષિક પરીક્ષા પૂરી કરવાની સૂચના આપી હતી, પરંતુ સ્કૂલોમાં હજુ 10 ટકા કોર્સ બાકી હોવાનું શિક્ષકોએ સ્વીકાર્યું છે. એનસીઈઆરટીનાં પુસ્તકો લાગુ કરાયા બાદ તેની પદ્ધતિથી કોર્સ લાંબા ચાલે છે. શિક્ષણ વિભાગે એકાએક નિર્ણય લેતાં શિક્ષકોએ માર્ચમાં જે કોર્સ ચલાવવાનો હતો અને જે કોર્સ ચાલી ગયો હતો તેનું રિવિઝન કરાવવાનું હતું. જે હવે નહીં થઈ શકે.  
એપ્રિલથી નવું સત્ર શરૂ કરવા અંગેનો નિર્ણય ખૂબ જ ઉતાવળિયો છે, જેની અસર વિદ્યાર્થીઓ પર થશે. સ્કૂલ સંચાલકોના મતે જે વિદ્યાર્થીઓ ધો. 8માંથી 9માં અને ધો. 10થી 11માં આવે છે તેણે સ્કૂલ બદલવી પડશે. આ સ્થિતિમાં તુરંત જ સ્કૂલ પસંદગી અને એડમિશનની પ્રક્રિયા કઈ રીતે પૂરી કરી શકાય? શિક્ષણ વિભાગે નિર્ણય લેતાં પહેલાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવી જોઇતી હતી. 
જોકે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘે રજૂઆત કરી હતી કે, વેકેશનના દિવસોમાં ફેરફાર ન કરવા માગ હતી. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના મહામંત્રી અલ્કેશ પટેલના જણાવ્યા અનુસાર જૂના શૈક્ષણિક સત્રમાં વેકેશનના જે દિવસો હતા તે જ નવા બદલાયેલા સત્રમાં રહેશે, જેમાં દિવાળી વેકેશનના 21 દિવસ, ઉનાળુ વેકેશનના 35 દિવસ રહેશે. જ્યારે વર્ષ દરમિયાનની કુલ 80 રજાઓમાં ફેરફાર થઈ શકે છે. નવા સત્રમાં વાર્ષિક પરીક્ષા 31 માર્ચ પહેલાં પૂરી કરવાની રહેશે. નવું સત્ર 20 એપ્રિલથી શરૂ થયા બાદ વેકેશન 5 મેથી શરૂ થશે.