રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (13:29 IST)

સૌરાષ્ટ્રમાં ખેડૂતો વિફર્યાં, રાજકોટમાં 20 અને ગોંડલમાં 9 લોકોની અટકાયત

હાલ અછતનો સામનો કરી રહેલા ગુજરાતમાં દિવસેને દિવસે ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. તાજેતરમાં રાસાયણિક ખાતરોમાં થયેલા ભાવ વધારાથી લઈ લસણના તળિયે ગયેલા ભાવો સુધી જગતના તાત માથે ઘાત આવી પડી છે. જેને પગલે સમગ્ર રાજ્યના ખેડૂતો ઉગ્ર બનીને દેખાવો કરી રહ્યા છે. આજે ગોંડલ તાલુકાના મોવિયા ગામે મોંઘવારી અને પાક વીમા પ્રશ્ને ખેડૂતોએ પૂતળા દહન કાર્યક્રમ કર્યો હતો. જો કે મોંઘવારીના પૂતળા દહન કાર્યક્રમ યોજાઇ તે પહેલા જ પોલીસે 9 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી.પોલીસે જમનભાઈ રૂગનાથભાઈ કાલરીયા, વાઘજીભાઈ વીરજીભાઈ પડાળીયા, શૈલેષ હિરજીભાઇ ઠુંમર, વિનોદભાઈ મોહનભાઈ કાલરીયા, હંસરાજ મનજીભાઈ કણસાગરા, સુભાષ કાલરીયા તેમજ અન્ય ત્રણની અટકાયત કરી છે.રાજકોટમાં મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓએ સીએમ રૂપાણીના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી છે.
તેમજ કોંગ્રેસના કાર્યકરોએ મંત્રી કુંવરજી બાવળીયાના ઘર પાસે વિરોધ કર્યો હતો. અને મોંઘવારીનો રાવણ બાળ્યો હતો.મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓમાં પગાર સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને આજરોજ મુખ્યમંત્રીના ઘર પાસે શ્રમ યોજનાના કર્મચારીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા.
જો કે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા કર્મચારીઓ સીએમના ઘર નજીક પહોંચે તે પહેલા જ ગાંધીગ્રામ પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.ખેડૂતો અને મોંધવારીની સમસ્યાને લઈ કોંગ્રેસના કાર્યકરોએ મંત્રી કુંવરજી બાવળીયાના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથે જ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. શહેરના જલારામ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીનું પુતળાદહન કર્યું હતું.