રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2020 (14:43 IST)

ગુજરાત યુનિ. હોસ્ટેલ બહાર અફઘાનના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપધાત કર્યો

ગુજરાત યુનિ. હોસ્ટેલ બહાર અફઘાનના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપધાત કર્યો
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પ્સમાં અફઘાનના એક વિદ્યાર્થીએ આજે વહેલી સવારે ઝાડ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. 24 વર્ષીય અફઘાની વિદ્યાર્થી સેકિબ ફકિરે ઝાડ પર ફંદો લગાવી લીધો હતો અને સવારે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુનિ. બોય્ઝ હોસ્ટેલ કેમ્પસ બહાર બુધવારે સવારે એક અફઘાનિસ્તાનના વિદ્યાર્થીની લાશ ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું.  ગુજરાત યુનિ. પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર અનિરુદ્ધસિં મોરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અફઘાનિસ્તાનનો હતો અને તે યુનિ. સંલગ્ન કોલેજમાંથી બીબીએમાં અભ્યાસ કરી રહ્યો હતો. બોય્ઝ હોસ્ટેલમાં અન્ય લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર આ વિદ્યાર્થીએ બ્લોકની બહાર આવેલા ઝાડ પર ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીએ ક્યા કારણસર આત્મહત્યા કરી તેની વિગતો હજુ જાણી શકાઈ નથી. જો કે મૃતક વિદ્યાર્થીના મિત્રોએ જણાવ્યું હતું કે તે ડિગ્રી મેળવવા પરીક્ષામાં એક પેપરમાં પાસ થવા માટે સખત તણાવમાં રહેતો હતો. અફઘાનના વિદ્યાર્થીનો બીબીએના ત્રણ વર્ષો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો પરંતુ એક પેપરમાં તે પાસ થઈ શક્યો નહીં હોવાથી તેને ડિગ્રી મળી નહતી. આ જ કારણથી તેણે આવું પગલું ભર્યું હોઈ શકે તેવી આશંકા સાથી વિદ્યાર્થીએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી.