કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ (કેએલએફએફ) 2023 સાચા અર્થમાં ફિલ્મ અને સાહિત્ય તથા એકંદરે સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવા માટેનું એક અદભૂત મંચ બની ગયો છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત કેએલએફએફ 2023માં ગુજરાતી સિનેમા, ભારતીય ઇતિહાસ, હિંદુત્ત્વને લગતાં નિવેદનો, ભારતીય પુરાણો અને બીજી ઘણાં બધાં વિષયો પર રસપ્રદ ચર્ચાઓ થઈ હતી. કર્ણાવતી યુનિવર્સિટી એ રાજ્યની ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણમાં શ્રેષ્ઠતા અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે.
કેએલએફએફમાં ઉપસ્થિત રહેલા જાણીતા લેખક ક્રિસ્ટોફર સી. ડોયલે ઇન્ડિયન માયથોલોજી - બ્રિંગિંગ યૂથ બૅક ટુ ફોલ્ડ પરના સેશનને સંબોધ્યું હતું. આ સેશન દરમિયાન ડોયલે સમગ્ર વિશ્વમાં લખાયેલી વાર્તાઓ અને ઘટેલી ઘટનાઓના વિરોધાભાસ પર ધ્યાન દોર્યું હતું અને તેને મહાભારત સાથે સાંકળી હતી. પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને ઇજિપ્તના ભવ્ય પીરામિડો, પથ્થર યુગ વગેરે અંગેના તથ્યો અને રહસ્યો અંગે અદભૂત જાણકારી પૂરી પાડી હતી.સુપ્રીમ કૉર્ટના એડવોકેટ અને જાણીતા લેખક જે. સાંઈ દીપક અને કોન્સોર્યિટલ લીગલના સહ-સ્થાપક પાર્ટનર સત્યેન્દ્ર શ્રીવાસ્તવે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત થીમ પર વાત કરતાં હિંદુઓ કેવી રીતે વૈશ્વિક લઘુમતી છે, તે અંગે વાત કરી હતી.
જે. સાંઈ દીપકે જણાવ્યું હતું કે, હિંદુઓ એક વૈશ્વિક લઘુમતી છે, જેમનું અસિત્ત્વ જોખમમાં છે. આથી જ તેમણે જાગૃત થવાની અને આ સમસ્યા અંગે વિચારવાની જરૂર છે. આખરે તો આપણે આ અંગેની નીતિ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. ભારતમાં 2014ની સાથે એક સ્પષ્ટ બદલાવનું પ્રતિનિધિત્ત્વ કરનારું રાજકીય પરિવર્તન આવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. આ બાબત સ્પર્ધાત્મક રાજકીય વિકલ્પોના મહત્ત્વને પણ સૂચવે છે. તેમણે દેશની શૈક્ષણિક પ્રણાલીમાં ઇતિહાસને વિકૃત બનાવવા અંગે પણ વાત કરી હતી.
કલમ સે નામના સેશન દરમિયાન લેખક અને દિગ્દર્શક રુચી જોશી, જાણીતા પટકથા લેખિકા ઉર્મી જુવેકર તથા લેખિકા નેહલ બક્ષીએ લેખનની સર્જનાત્મક પ્રક્રિયા અંગે વાત કરી હતી. રુચી જોશીએ વિવિધ પ્રકારનું પાત્રાલેખન કરવાની પ્રક્રિયા અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક પાત્ર જ વાર્તાને આગળ વધારે છે. વાર્તાકારે કલ્પનાના ઘોડા વધારે દોડાવાને બદલે વાર્તાને વધુને વધુ રસપ્રદ બનાવવા વિવિધ સંભાવનાઓની સાથે આગળ આવવાની જરૂર છે.તો બીજી તરફ, ઉર્મી જુવેકરે પટકથા લેખનના પડકારો અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પટકથા લેખકોને સાહિત્યનું લેખનકાર્ય કરનારા લોકોથી અલગ પ્રકારની તાલીમની જરૂર પડે છે.
ટિંકલ કૉમિક્સના ભૂતપૂર્વ સંપાદક રજની થિંડિયાથ અને નેટફ્લિક્સના સ્ક્રિપ્ટ રાઇટર સવની પારેખે ટૂન ઇટ અપ નામના તેમના સેશનમાં એનિમેશન ઇન્ડસ્ટ્રી અંગે ઊંડાણપૂર્વકની રસપ્રદ જાણકારી પૂરી પાડી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના વ્યાપક સ્વીકરણ અને હાલમાં જ ચેટ જીપીટી ઉમેરાવા અંગે વાત કરતાં રજની થિંડિયાથે જણાવ્યું હતું કે, એઆઈ ઘણાં લાંબા સમયથી છે. હાલમાં તેણે એનિમેશન અને લેખનકાર્યમાં પગપેસારો કર્યો છે. પરંતુ મનુષ્યની ભાવનાઓ અને કલ્પનાશક્તિનો કોઈ વિકલ્પ નથી. એક કન્ઝ્યુમર તરીકે આપણે તેને કેટલી હદે સ્વીકારીશું તે એક પૂછવાલાયક પ્રશ્ન છે.
અભિરુચિ ચાંદે જણાવ્યું હતું કે, તમે જ તમારા પોતાના જજ છો. તમારે શા માટે ગીતકાર બનવું જોઇએ તે અંગેના તમારા ઇરાદાઓ ખૂબ જ સ્પષ્ટ હોવા જોઇએ. ઘણીવાર પહેલાં કમ્પોઝિશન બની જતી હોય છે અને તેની પર ગીત લખવાનું કહેવામાં આવતું હોય છે. જે ઘણીવાર પડકારરૂપ બની જાય છે. ઘણીવાર શ્રેષ્ઠ લાઇનોને કાપી નાંખવામાં આવતી હોય છે.
કેએલએફએફ 2023માં ગુજરાતી સિનેમા અને તેના વિકાસ અંગે કેટલીક તીખી ચર્ચા પણ થઈ હતી. પબ્લિસિસ્ટ ચેતન ચૌહાણની સાથે પટકથા લેખક અને સંવાદ લેખક કેયુ શાહ; અભિનેતા અને પ્રોડ્યૂસર આરતી પટેલ; હેલ્લારોના પ્રોડ્યૂસર, એડિટર અને સહ-લેખક પ્રતીક ગુપ્તા; મનિષ સૈની; ફિલ્મ ડિરેક્ટર મિખિલ મુસાલે તથા ફિલ્મ પ્રોડ્યૂસર વૈશલ શાહ પણ આ ચર્ચાનો હિસ્સો હતાં. વૈશલ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મે ઓસ્કારમાં ગર્જના કર્યા બાદ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે નવું શિખર સર કર્યું છે. કોવિડ-19 પછી ઘણી ગુજરાતી ફિલ્મોએ સારી કમાણી કરી છે.
કેએલએફએફ 2023 એ એક ઉત્સવી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આશ્ચર્યજનક સર્જનાત્મક મુલાકાતો દ્વારા સાહિત્ય, ફિલ્મ, રંગભૂમિ, લોકકલા અને સંસ્કૃતિના જેવા ક્ષેત્રોના ફલકને વિસ્તારવાનો છે. આ ફેસ્ટિવલમાં વક્તાઓના જકડી રાખનારા સત્રો, સંવાદાત્મક પેનલ ચર્ચાઓ, કાર્યશાળાઓ અને અનેકવિધ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, કર્ણાવતી યુનિવર્સિટીમાં અમારો એવો નિરંતર પ્રયત્ન રહ્યો છે કે, વિવિધ વિષયો પર અર્થપૂર્ણ વાર્તાલાપો અને સંવાદો માટે વિવિધ પ્રકારના પ્લેટફૉર્મની રચના કરવામાં આવે. આપણે દિવસેને દિવસે સોશિયલ મીડિયા અને માહિતીની ભરમારના યુગમાં સતત પરિવર્તનશીલ વિશ્વને અપનાવી રહ્યાં છે અને તેમાં સંલગ્ન થઈ રહ્યાં છીએ, જેમાં એકાગ્રતા દિવસને દિવસે ઘટી રહી છે, ત્યારે કેએલએફએફ એ વાર્તાકારો, લેખકો અને ઓરિજિનલ કન્ટેન્ટ રચયિતાઓના દ્રષ્ટિકોણો અને વિચારોને પરત લાવવાનો એક પ્રયત્ન છે, જેઓ આપણા રોજિંદા જીવન, આપણી આસપાસની દુનિયામાંથી અને એટલું જ નહીં વૈકલ્પિક વાસ્તવિકતાઓમાંથી વાર્તાઓને શોધવા અને કહેવા માટે સતત રચનાત્મક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહે છે.