શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (15:31 IST)

ગુજરાત સહિત 7 રાજ્યોમાં કોરોનાનો કહેર વધતાં સમીક્ષા કરાઇ, આ વ્યૂહનીતિઓનું કરવું પડશે પાલન

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ જમ્મુ અને કાશ્મીર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા એક અઠવાડિયામાં કોવિડના નવા કેસની સંખ્યામાં ઝડપી વધારો અથવા સક્રિય કેસની મોટી સંખ્યામાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. 
 
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવેલી કોવિડ વ્યવસ્થાપન અને પ્રતિક્રિયા વ્યૂહનીતિની સમીક્ષા અને ચર્ચા માટે યોજવામાં આવેલી આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ, ICMRના મહાનિદેશક, નીતિ આયોગ અને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત સમૂહના સભ્યો તેમજ ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ ઉપરાંત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વરિષ્ઠ આરોગ્ય પ્રોફેશનલો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
 
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત આ છ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં નવા પોઝિટીવ કેસની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ નોંધવાનું ચાલુ છે જ્યાં એક દિવસમાં વધુ 8,333 દર્દીઓ સંક્રમિત થયા છે. સર્વાધિક સંખ્યામાં બીજા ક્રમે રહેલા કેરળમાં છેલ્લા 24 કલાકમાં નવા 3,671 દર્દી પોઝિટીવ નોંધાયા છે જ્યારે તે પછીના ક્રમે પંજાબમાં નવા 622 કેસ પોઝિટીવ નોંધાયા છે. છેલ્લા બે અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે જ્યાં 14 ફેબ્રુઆરીએ 34,449 સક્રિય કેસ હતા જ્યારે હાલમાં વધીને 68,810 થઇ ગયા છે.
 
રાજ્યોમાં જે જિલ્લાઓમાં નવા કેસની સંખ્યામાં મોટો વધારો થયો હોય, પોઝિટીવિટી દરમાં વધારાનું વલણ હોય અને સંબંધિત પરીક્ષણોના વલણો પર ધ્યાન કેન્દ્રિત રાખીને કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અંગે એક વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. તે પછી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યોના મુખ્ય સચિવોએ તેમના રાજ્યોની વર્તમાન સ્થિતિ તેમજ કોવિડના કેસમાં હાલમાં ઝડપથી થયેલી વૃદ્ધિનો સામનો કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી આપી હતી. 
 
તેમણે માહિતી આપી હતી કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને કોવિડ માટે અનુકૂળ વ્યવહારનો અમલ કરાવવા માટે ભારે દંડ અને ચલણ આપવા, જિલ્લા કલેક્ટરો સાથે નીકટતાપૂર્વક દેખરેખ અને કન્ટેઇન્મેન્ટ પ્રવૃત્તિઓની સમીક્ષા અને અન્ય જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.
 
કેબિનેટ સચિવે પુનરુચ્ચાર કર્યો હતો કે, રાજ્યોએ મહામારીના સંક્રમણને ફેલાતું રોકવા માટે અને સતત કઠોર સતર્કતા જાળવી રાખવી પડશે તેમજ ગયા વર્ષે કરવામાં આવેલા સામુહિક પ્રયાસોના લાભ વ્યર્થ ના જાય તે પણ જોવાનું રહેશે. તેમણે સલાહ આપી હતી કે, રાજ્યો કોઇપણ સ્થિતિમાં તેમની દેખરેખમાં ઘટાડો ના કરે, કોવિડ માટે યોગ્ય વ્યવહારનું પાલન કરાવે અને ઉલ્લંઘનોનો મક્કમતાપૂર્વક સામનો કરે. બેઠકમાં ભારપૂર્વક રેખાંકિત કરવામાં આવ્યું હતું કે, રાજ્યોએ સંભવિત સુપર સ્પ્રેડરની ઘટનાઓના સંબંધમાં અસરકારક દેખરેખ વ્યૂનીતિનું પાલન કરવાની જરૂર છે. અસરકારક તપાસ, વ્યાપક ટ્રેકિંગ, પોઝિટીવ કેસને તાત્કાલિક આઇસોલેશન અને નજીકના સંપર્કમાં હોય તેમના ત્વરિત ક્વૉરેન્ટાઇન કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
 
રાજ્યોને નીચે ઉલ્લેખ કરેલા પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે:
 
જે જિલ્લામાં પરીક્ષણોની સંખ્યા ઓછી થઇ હોય ત્યાં એકંદરે પરીક્ષણોની સંખ્યા વધારવી
મોટી સંખ્યામાં એન્ટિજન પરીક્ષણ વાળા રાજ્યો અને જિલ્લામાં RT-PCR પરીક્ષણો વધારવા
ઓછા પરીક્ષણો/વધુ સંખ્યામાં પોઝિટીવિટી અને વધુ સંખ્યામાં નવા કેસ નોંધાયા હોય તેવા પસંદગીના જિલ્લાઓમાં દેખરેખ અને ચુસ્ત કન્ટેઇન્મેન્ટ પર ફરી વિચાર કરવો
હોટસ્પોટની વહેલી ઓળખ અને નિયંત્રણ માટે મ્યૂટન્ટ સ્ટ્રેન તેમજ કેસના ક્લસ્ટરિંગની દેખરેખ
વધારે મૃત્યુ નોંધાયા હોય તેવા જિલ્લાઓમાં તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું
વધારે કેસ નોંધાતા હોય તેવા જિલ્લામાં રસીકરણને પ્રાથમિકતા આપવી
કોવિડ માટે યોગ્ય વ્યવહારને પ્રોત્સાહન આપવું, ખાસ કરીને રસીકરણ કવાયત તેના આગામી તબક્કામાં પ્રવેશી રહી છે ત્યારે લોકોમાં આ બાબતે શિથિલતા ના આવવા દેવી અને અસરકારક નાગરિક સંવાદ સુનિશ્ચિત કરવું તેમજ સામાજિક અંતરના ઉપાયો ચુસ્તપણે અમલમાં મૂકવા.