ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 7 જૂન 2023 (17:38 IST)

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે યુવકનો જીવ બચાવ્યો, બેભાન થયેલા યુવકનો CPR આપતા જીવ બચ્યો

ahmedabad police
પોલીસ કર્મીઓએ CPR આપતા યુવકના શ્વાસ પાછા આવ્યા અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો
 
પોલીસે યુવકના પરિવારને જાણ કરી, આજે ત્રણેય કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે
 
શહેરમાં ટ્રાફિક પોલીસની માનવતા સામે આવી છે. શહેરમાં કાલુપુર સર્કલ પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ પાસે એક યુવક આવ્યો અને બેભાન થઈ જતાં દોડાદોડ થઈ ગઈ હતી. આ દરમિયાન બે પોલીસ જવાનોએ યુવકને CPRની ટ્રીટમેન્ટ આપી અને 108ને ફોન કરીને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. બંને પોલીસ કર્મચારીએ ભેગા મળીને CPR આપતા યુવકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને પગલે લોકો ભેગા થઈ ગયા હતાં અને પોલીસની કામગીરી જોઈને લોકોએ પોલીસ કર્મચારીઓને બિરદાવ્યા હતાં. 

 
 તાત્કાલિક તેમને CPR આપ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલુપુર સર્કલ આસપાસ એક વ્યક્તિ એક્ટિવા પર પસાર થતો હતો. આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જેથી ટ્રાફિક પોલીસના એએસઆઈ મુસ્તાકમિયાં, હોમગાર્ડ જુગલ કિશોર, નરેશભાઈએ આ વ્યક્તિને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને છાતીમાં દુખાવાની સમસ્યા હતી એટલે તેમણે તાત્કાલિક તેમને CPR આપ્યો હતો. જેથી તેમની થોડીક તબિયત સારી થઈ હતી અને તેને વધુ સારવાર માટે 108ની મદદથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
 
યુવકના પરિવારજનોને જાણ કરાઈ
પોલીસની તપાસમાં આ વ્યક્તિનું નામ રફીક શેખ હોવાનું જાણવા મળ્યું હતું. તેને હોસ્પિટલ મોકલ્યા બાદ તેના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી હતી. હાલ આ યુવકની તબિયત સુધારા પર છે અને પોલીસની તાત્કાલિક મદદ મળવાથી તેમનો જીવ બચી ગયો હતો. આ કામગીરીને કારણે ત્રણેય પોલીસ કર્મચારીઓનું આજે સન્માન કરવામાં આવશે.  વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ બેભાન રફીકભાઈને સીપીઆર પોલીસકર્મી આપે છે અને થોડીવારમાં તેઓ ભાનમાં આવી જાય છે. બાદમાં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના 108 મારફતે તેમને પોલીસ હોસ્પિટલ ખસેડે છે.