મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Last Modified: ભુજ , બુધવાર, 17 જાન્યુઆરી 2024 (14:56 IST)

ભુજમાં આખુ કોમ્પલેક્સ બળીને ખાખ, શો રૂમમાં લાગેલી આગ પાંચ દુકાનોમાં ફેલાઈ

In Bhuj, the entire complex was burnt down
In Bhuj, the entire complex was burnt down

- એક સાથે પાંચ દુકાનોમાં આગ 
- આગને કાબૂમાં લેતા ફાયર વિભાગને 6 કલાક જેટલો સમય લાગ્યો 
- આગને કાબુમાં લેવા 66,000 લિટર પાણીનો મારો
 
Fire in Bhuj - શહેરમાં અનમ બજારના એક કોમ્પ્લેક્સમાં ગત મોડી રાત્રે તેજ ઈલેક્ટ્રોનિક્સ નામના શો રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની કપડાં અને બુટચંપલની દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. એક સાથે પાંચ દુકાનોમાં તેમજ બાજુના એક મકાન સુધી આગ ફેલાઈ જતા નાસભાગ મચી જવા પામી હતી.તમામ દુકાનોમાં રહેલી સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. આગને કાબૂમાં લેતા ફાયર વિભાગને 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. 
 
આગને કાબુમાં લેવા 66,000 લિટર પાણીનો મારો ચલાવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભુજમાં ગત રાત્રિના એક વાગ્યાના સુમારે અનમ રિંગ રોડ ખાતે આવેલા તેજ ઈલેક્ટ્રોનિક્સ નામના શો રૂમમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ લાગતાં જ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડનો કાફલો કોલ મળતાંની સાથે જ ઘટના સ્થળે રવાના થયો હતો. આગને બુઝાવવા માટે ફાયર વિભાગે અંદાજે 66,000 લિટર પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યાર બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે, આગ કાબૂમાં આવે તે પહેલાં આખું કોમ્પ્લેક્સ બળીને ખાખ થઈ ગયું હતું. 
 
ઘરમાં રાખેલાં ગેસનાં 3 સિલિન્ડરને આગમાંથી બહાર કાઢ્યા
આ આગ એટલી વિકરાળ હતી કે, તેજ કોમ્પ્લેક્સમાં આવેલ નવકાર શૂઝ, નવકાર એન.એક્સ, સિક્સર ડેનિમ કલબ, મણિભદ્ર ક્લોથ, તેજ કૂલર તથા તેજ કૂલરના માલિક(તેજસભાઈ)ના ઘર સુધી આગ ફેલાઈ ગઈ હતી.આગ એક ઘર સુધી પહોંચી જતા ઘરમાં રાખેલાં ગેસનાં 3 સિલિન્ડરને આગમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. સિલિન્ડરની બાજુમાં જ આગ લાગેલી હતી, જેને ઘણી સાવચેતીથી કૂલિંગ કરીને ગેસના બાટલાને આગમાંથી બહાર કાઢ્યા હતા.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.