કચ્છમાં પાકિસ્તાની નાગરીક ભાજપનો સભ્ય બન્યો, સદસ્યતા અભિયાન વિવાદોમાં ઘેરાયું

Last Modified શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (14:17 IST)

કચ્છના નખત્રાણામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં પાકિસ્તાનના નાગરિકનું આગેવાનોએ સભ્ય ફોર્મ સ્વીકારી લીધું હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર, કચ્છ ભાજપના આગેવાન સામત મહેશ્વરી, રાજેશ પલણ સહિતના આગેવાનો એક યુવકનું સદસ્યતા ફોર્મ સ્વીકારતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


જે યુવકનું ફોર્મ આગેવાનો સ્વીકારી રહ્યા છે તે યુવકનું નામ જયસિંહ ઉર્ફે ભમરસિંહ સવાઈસિંહ મેર છે અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા મીઠ્ઠી જિલ્લાનો રહેવાસી હોવાની સાથે લોંગ ટર્મ વિઝા પર લાંબા સમયથી નખત્રાણામાં રહેતો હોવાનું કહેવાય છે.


આ ફોટો વાયરલ થયા બાદ ભાજપના આગેવાનો ભીંસમાં મુકાઈ ગયા છે અને બચાવની મુદ્રામાં યુવકને પક્ષનો સદસ્ય બનાવ્યો ન હોવાનું કહી રહ્યા છે. કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રીના અનિરુદ્ધ દવેને આ અંગે તેમણે કહ્યું હતું કે, માત્ર ફોર્મ ભરવાથી કોઈ ભાજપનો સદસ્ય બની જતો નથી.


પ્રક્રિયામાં કોઈ વ્યક્તિ ફોર્મ ભરે ત્યારબાદ વિગતોની ખરાઈ કરાઈ છે અને કમિટી નામ પ્રદેશમાં મોકલે છે અને ત્યાર પછી છેક ભાજપમાં સદસ્ય બની શકાતું હોય છે, એટલે આ સમગ્ર મામલા અંગે હજુ તેમણે પૂરતી જાણકારી નથી, પરંતુ કોઈ પાકિસ્તાની નાગરિકે ફોર્મ ભર્યું હોય તો પણ પક્ષનો સભ્ય બની જતો નથી.

આ અંગે સામત મહેશ્વરી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે,‘‘તે યુવકને હું ઓળખતો જ નથી.’’ પરંતુ તેમણે કહ્યું કે મારે ફોર્મ આપતો ફોટો પડાવવો છે એટલે અમે લોકોએ સાથે ઊભા રહીને ફોટો ખેંચાવ્યો હતો. તો બીજી તરફે, રાજેશ પલણ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે,‘‘મને આખીય બાબતમાં વધુ કોઈ જાણકારી નથી હું તો માત્ર એ વખતે હાજર હતો એટલે ફોટોમાં સાથે ઊભો હતો. બાકી યુવકને હું ઓળખતો નથી.’’


આ પણ વાંચો :