શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (15:22 IST)

કારકુન સંવર્ગ પરીક્ષાના પેપર લીક કાંડમાં કોંગ્રેસના જ લોકોની સંડોવણી: વિજય રૂપાણી

બિનસચિવાલય કારકુન સંવર્ગ પરીક્ષાના પેપર લીક કાંડની સીટ દ્વારા હાથ ધરાયેલી ઝડપી તપાસને પરિણામે આજે સાત જેટલી વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ ભરતી પરીક્ષામાં ગેરરીતીઓની ફરિયાદ મળતાં સરકારે તેની સંપૂર્ણ તલસ્પર્શી તપાસ થાય તેવી સંવેદના સાથે આ પરીક્ષા રદ કરી હતી અને તપાસના સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. જે કોઇની પણ સંડોવણી હોય તેની સામે ત્વરાએ કાયદેસરના પગલાં લેવા પણ સૂચના અપાઇ હતી.
 
મુખ્યમંત્રીએ આ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિપક્ષ-કોંગ્રેસ જે રીતે ઉહાપોહ મચાવી રહ્યો હતો તેની આલોચના કરતાં જણાવ્યું કે, પેપરલીક કૌભાંડમાં જે લોકોની અટકાયત કરાઇ છે તેઓના મૂળ જોઇએ તો તેમના જ એટલે કે કોંગ્રેસના જ લોકોની સંડોવણી પૂરવાર કરે છે. સાથે સાથે  એ પણ પુરવાર થયું છે કે, કોંગ્રેસે  મચાવેલો ઉહાપોહ પાયા વિહોણો હતો અને હવે તેમના જ પગ નીચે રેલો આવ્યો છે. 
 
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યુ હતું કે, રાજ્યમાં યોજાતી કે યોજાનાર કોઇપણ પરીક્ષામાં ક્યાંય પણ ગેરરીતી ચલાવી લેવા માંગતી નથી અને આવી કોઇ ઘટના બને તો ત્વરિત પગલાં લીધા છે અને લેશે પણ. રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં કોઇપણ કચાસ રાજ્ય સરકાર રાખવા માંગતી નથી.