સુરતમાં મોટો માર્ગ અકસ્માત, BRTS બસે 8 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત
સુરતના કતારગામ GIDC પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. BRTS બસે 8 લોકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે... અન્ય ઘાયલોને સ્મીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
અકસ્માત બાદ સમગ્ર બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ એક બસ પાછળથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બાઇક સવાર બસ સાથે અથડાયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ પણ કિરણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. અકસ્માતની ઘટનામાં 50 વર્ષીય ભીખાભાઈનું મોત થયું છે. જ્યારે ઈજાગ્રસ્ત ધવલ, સંદીપ અને શૈલેષ હાલ કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
સમગ્ર ઘટનામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ચારની હાલત ખૂબ જ ગંભીર હતી. તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક જ મોરચો સંભાળ્યો હતો. અકસ્માતમાં નજરે જોનાર લોકોએ બીઆરટીએસ બસ ડ્રાઈવર પૂરપાટ ઝડપે આવી આગળની બસને ઓવરટેક કરવા જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં થયેલા આ ગંભીર અકસ્માતમાં લોકો નોકરી- ધંધાથી છૂટા થઈ પરત પોતાના ઘર તરફ જતા હતા અને તેના જ કારણે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. રત્નકલાકારો આ સમયે છૂટતા હોવાથી ટ્રાફિક સિગ્નલ પર પણ ખૂબ જ ટ્રાફિક હતો. બસ ચાલકે કંઈપણ વિચાર્યા વગર જે પ્રકારે પાછળથી બસ અથડાવી હતી તેના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતને લઈ સ્થાનિક લોકોએ બસ ડ્રાઈવર પર રોષ ઠાલવ્યો હતો અને બસમાં તોડફોડ કરી હતી. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.