બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (14:52 IST)

અમદાવાદની સાબરમતી નદીમાં નર્મદાનું પાણી છોડાશે, સાબરમતી આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

અમદાવાદની સાબરમતી નદીમાં આજે સાંજે ચાર વાગ્યે નર્મદાનું પાણી છોડવામાં આવશે. જેને પગલે અમદાવાદ જિલ્લાની આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી 10,000 ક્યુસેક પાણી છોડાશે. જેના કારણે નદીની પાણીની આવકમાં વધારો થશે. જોકે વાસણા બેરેજમાં પાણીનું લેવલ જાળવી રાખવામાં આવશે. સાબરમતી નદી ઉપર આવેલા વાસણા બેરેજની નિચાણવાળા વિસ્તાર તેમજ ધોળકા, દસક્રોઈ, બાવળા, વેજલપુર, સાણંદ, નારોલ સીટી, સાબરમતી અને ફતેહવાડી કેનાલ નજીક આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સાબરમતી રિવરફ્રન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર આઈ.કે. પટેલ દ્વારા સાબરમતી વાસણા બેરેજ ખાતે અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. જે પણ નીચાણવાળા વિસ્તારો અને અસરગ્રસ્ત વિસ્તાર છે, તે વિસ્તારને ખાલી કરાવવા માટે તેમજ જ્યારે નર્મદા મેઇન કેનાલમાંથી પાણીની આવક વધશે, ત્યારે કેટલા દરવાજા ખોલવા તે અંગે તમામની સમીક્ષા કરવામાં આવી હતી. નદીમાં જેમ જેમ પાણીની આવક વધતી જશે, તેમ તેમ બેરેજના દરવાજા ખોલવામાં આવશે. નદીમાં હાલની સ્થિતિએ વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 134.50 ફૂટ છે. પાણીનો કુલ જથ્થો 125 MCFT (મિલિયન ક્યુબિક ફિટ) છે. સાબરમતી નદીમાં કેટલીક જગ્યાઓ પર જળકુંભી છે. મોટા પ્રમાણમાં જળકુંભી હોવાને કારણે નવા પાણીની આવકના કારણે તે સાફ થઈ જશે.જળકુંભીના કારણે સાબરમતી નદી પ્રદૂષિત થઈ હોવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ પઠાણે આક્ષેપ કર્યો છે કે, નદીમાં કરોડો રૂપિયાનો ખર્ચ અને સાફ સફાઈના કોન્ટ્રાક્ટ બાદ પણ સાબરમતી નદી જળકુંભી પાણીની વેલથી છલોછલ ભરેલી છે. રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવવાના હોવાથી સાબરમતી નદીનું પાણી વાસણા બેરેજથી ખાલી કરી નર્મદા નદીનું નવું પાણી ભરવાની કાર્યવાહી કરવાની છે.