શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 6 એપ્રિલ 2018 (13:24 IST)

અમદાવાદની મેરિયોટ હોટલમાં ગેરકાયદે દારૂ વેચવાનું કૌભાંડ ઝડપાયું

દારૂ મામલે ભાજપ સરકારની નીતિ બેધારી રહી છે. એક તરફ, ગાંધીના ગુજરાતને દારૂના દૂષણથી મુક્ત બનાવવાના નામે કરોડો રુપિયાનું આંધણ કરીને ખૂબ પ્રચાર કરી રહી છે. તેમજ ગુજરાતમાં દારૂબંધીનો કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યા હોવાના દાવાઓ કરે છે. તો બીજી તરફ સરકાર સ્ટાર હોટલ્સ-રિસોર્ટને દારુના પરવાનાની લ્હાણી કરી રહી છે. આવી જ એક પરવાનગીવાળી હોટલ દ્વારા પરમીટમાં આવતી દારૂની બોટલોને ગેરકાયદે વેંચવામાં આવતી હોવાનું કૌભાંડ ઝડપાયું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર આવેલ મેરિયોટ હોટલમાંથી ગેરકાયદે દારૂનું વેંચાણ થતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.

મેરિયોટ હોટલમાંથી ગેરકાયદે દારૂનું વેચાણ થતું હતું, મેરિયોટ હોટલ દ્વારા પરમીટમાં આવતા દારૂનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે તપાસ હાથ ધરતા 100થી 150 જેટલી વિદેશી દારૂની બોટલ ગેરકાયદેસર રીતે વેચાઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલો સેટેલાઈટ પોલીસને ધ્યાને આવતા પોલીસે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સરકારની દારૂ મુદ્દે બેધારી નીતિ રીતસરની આ આંકડાઓ પરથી છતી થાય છે. ગાંધીના ગુજરાતમાં પ્રવાસનના વિકાસના નામે રાજ્યમાં 55 જેટલી હોટલોમાં દારૂ વેચવાની પરમિટ આપી દેવામાં આવી છે. એકબાજુ સરકાર દારૂ માટે કડક કાયદો બનાવવાની વાતો કરે છે, તો બીજી બાજુ દારૂ વેચવા અને દારૂ પીવા માટે ખુલ્લેઆમ લોકોને પરવાનગી આપતી હોવાનું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર હોટલ્સમાં રૂપિયા 27.59 કરોડનો વિદેશી દારૂ-બિયર વેચાયો છે. જ્યારે 2017 સુધીમાં 15,407 લોકો દારૂનો પરવાનો ધરાવે છે. બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યામાં 2756નો વધારો થયો છે. ગુજરાતમાં કુલ 15,401 લોકો પાસે દારૂની પરમીટ છે. જેમાં સુરત-4854, અમદાવાદ-3391, રાજકોટ-1598, વડોદરા-987, કચ્છ-ભૂજ-859 લોકો આલ્કોહોલની પરમીટ ધરાવે છે.