રાજકોટ એરપોર્ટમાં યુવાનોને નોકરી આપવાનું કૌભાંડ, લાખો રૂપિયા ખંખેરાયા
તાજેતરમાં નોકરીના નામે થતી છેતરપિંડીઓનો આંકડો વધી રહ્યો છે. ત્યારે રાજકોટની એક ઘટનાએ રોજગારવાંચ્છુઓમાં ચકચાર જગાવી દીધી છે. ગઠિયાઓનો ભોગ બનનાર પડધરી પંથકનો યુવક ઓફર લેટર સાથે રાજકોટ એરપોર્ટ પર નોકરી માટે હાજર થતાં પોતે છેતરાયાની જાણ થઇ હતી. એટલું જ નહીં આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક યુવકો પાસેથી ચિટરોએ નાણાં ખંખેર્યાની શંકા સેવાઇ રહી છે. આ યુવાનને લઇને એરપોર્ટમાં નોકરી અપાવાનું કૌભાંડ છતું થયું હતું.
પડધરીના થોરિયાળી ગામનો હાર્દિક નામનો યુવક પંદર દિવસ પૂર્વે એરપોર્ટના ઓથોરિટી લેટર સાથે રાજકોટ એરપોર્ટના અધિકારીઓને મળ્યો હતો અને પોતે ફરજ પર હાજર થવા આવ્યાનું જણાવ્યું હતું. હાર્દિકે રજૂ કરેલા લેટર સહિતના દસ્તાવેજો બોગસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જ ફલિત થતાં અધિકારીઓએ એ યુવકને પોતે છેતરાયાનું કહી રવાના કરી દીધો હતો. પરંતુ આ મામલો અહીંથી અટક્યો નહોતો અને વધુ એક યુવક પણ આ રીતે જ હાજર થતાં અને નોકરીના ઓફર લેટર મોકલનાર શખ્સોએ તેમની પાસેથી રૂ.20 હજારથી માંડી રૂ.40 હજાર પડાવ્યાનું ખૂલતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર બી.કે.દાસે સોમવારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, કોઇ શખ્સો યુવકોને એરપોર્ટમાં નોકરીની લાલચ આપી તેમનું ઓનલાઇન ઇન્ટરવ્યૂ લઇ તેમજ સિલેક્ટ કર્યાની વાતો કરી પૈસા પડાવે છે, પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઇ ભરતી કરવામાં નથી આવી, કોઇ પણ લોકોએ આવી વાતમાં ફસાવું નહીં. જો કે રાજકોટ એરપોર્ટમાં નોકરી માટે હાજર થવા બે જ યુવકો આવ્યા હતા, પરંતુ રાજકોટના 20થી વધુ તેમજ સૌરાષ્ટ્રભરના યુવકો છેતરાયાની શંકા સેવાઇ રહી છે.