રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 માર્ચ 2020 (12:44 IST)

વીજ કંપનીના અધિકારી -કર્મચારીઓ એક દિવસનો પગારની કુલ રાશિ રૂ. 6.50 કરોડ રાહત ફંડમાં દાન આપશે

સમગ્ર દેશમાં કોરોનાવાયરસની મહામારી સામે  પૂરી તાકાતથી એકજૂથ થઈને  લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત તારીખ 25 માર્ચથી આગામી 21 દિવસ સુધી  દેશમાં લૉકડાઉન જાહેર કર્યું છે. આ લૉકડાઉનની  સ્થિતિને પહોંચી વળવા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને મુખ્યમંત્રી રાહત નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો છે જેના પરિણામ રૂપે આ મહામારી સામે લડવા  રાજ્યમાંથી  વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, નાગરિકો  અને  વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા  ઉદાર હાથે ફાળો આપવામાં આવી રહ્યો છે. 
 
મુખ્યમંત્રીના આ અનુરોધના પગલે ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને તેની ચારેય વીજ વિતરણ કંપનીઓ - DGVCL, MGVCL, PGVCL અને UGVCL, વીજ ઉત્પાદન કંપની GSECL અને વીજ પરિવહન કામગીરીમાં જોડાયેલ GETCOના કુલ 54000 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા કોરોના (કોવિડ 19) વાયરસ સામેના આ જંગમાં તેમનો એક દિવસનો પગાર રૂ. 6.50 કરોડ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી આ મહામારી સામેની લડાઈમાં યથાયોગ્ય સહકાર આપવાનું નક્કી કરેલ છે. વીજ કંપનીના માન્ય તમામ 6 યુનિયનોએ પણ સામે ચાલીને આ પહેલને આવકારી સહમતી આપી છે જે ઉદાહરણીય છે.    
 
કોરોના મહામારીને નાથવાના જંગ સામે જ્યારે સમગ્ર દેશ અને રાજ્ય લોકડાઉન હેઠળ હોય રાજ્યમાં દરેક ખૂણામાં ચોવીસ કલાક અવિરત ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો યથાવત રાખવાની કટિબદ્ધતાને કાયમ રાખવા વીજ ઉત્પાદન, વીજ પરિવહન અને ફિલ્ડમાં વીજ વિતરણ ક્ક્ષાએ આવતા કોઈપણ ફોલ્ટને તાત્કાલિક અસરથી રીપેર કરી વીજ પૂરવઠો યથાવત કરવા GUVNL સલંગ્ન તમામ 6 કંપનીઓનો સ્ટાફ ખડે પગે કાર્યરત છે.
 
સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકો જ્યારે ઘરમાં રહી આ મહામારીની હરાવવા તેમનો સહકાર આપી રહ્યા છે એક બાજુ જ્યારે હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ દ્વારા કોરોના રોગ સામે મોરચો સંભાળ્યો છે ત્યારે વીજકંપનીનો સ્ટાફ ઓફિસમાં અને લાઇન સ્ટાફ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી દેશસેવાને પ્રાથમિકતા આપી પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠાથી બજાવી રહેલ જે ખૂબજ આપના સૌ માટે પ્રેરણાદાયી અને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. વધુમાં જણાવવાનું કે રાજ્ય સરકારની GUVNL અને તેની સલંગ્ન તમામ 6 કંપનીઓ સાથે મળી કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 10 કરોડનું અનુદાન કરવાનો પણ નિર્ણય કરેલ છે.