ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (12:18 IST)

સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથવિધિ માટે તૈયારીઓ શરૂ, સૂચના મળ્યા બાદ ધારાસભ્યોને કરશે ફોન

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓની આજે બપોરે 2 વાગે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અપાવશે મંત્રીઓને શપથ લેવડાવશે. ત્યારે નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળશે. તેના પર સૌની નજર મંડાયેલી છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પહેલાં કરતાં આ મંત્રીમંડળ નાનુ હશે. જેમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન મળશે. 
 
શપથવિધિ માટે ત્રણ સ્થળમાંથી એક સ્થળની પસંદગી કરવામાં આવશે, રાજભવન, સચિવાલય અને મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાઈ શકે છે. ત્રણેય સ્થળો પર શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. હજુ સુધી શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા નથી. સૂચના મળ્યા બાદ ધારાસભ્યોને ફોન કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર ચેહરા તરીકે અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને સ્થાન મળી શકે છે. જ્યારે જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ સ્થાન મળી શકે છે.
 
સમાચારોનું માનીએ તો ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળમાં 10 નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે. મંત્રીમંડળ વિસ્તારમાં ઘણા દિગ્ગજ મંત્રીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવે છે. માનવામાં આવે છે કે પાર્ટી તરફથી તમામ સમુદાયને ધ્યાનમાં રાખી યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. 
 
મંત્રીમંડળમાં આ સંભવિત ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં પ્રદીપસિંહ જાડેજા, આર. સી. ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, દિલીપ ઠાકોર, ગણપત વસાવા, જવાહર ચાવડાનો સમાવેશ થઇ શકે છે. 
 
હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.