ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (13:56 IST)

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પેપરલેસ ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું, NeVA APP પણ લોન્ચ કરી

paperless assembly Gujarat
paperless assembly Gujarat
ભારતના રાષ્ટ્રપતિ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. તેમણે આજે ગુજરાતની ઈ- વિધાનસભાનું લોકાર્પણ કર્યું હતું. તેની સાથે પેપરલેસ વિધાનસભા માટે NeVA APPનું પણ લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું તો રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કરવાની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આજે રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્યમાન ભવ યોજનાનું પણ લોન્ચિંગ કરવાના છે. રાષ્ટ્રપતિએ ઈ-વિધાનસભાના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, હંમેશા ગુજરાતે ભારત અને ભારતવાસીઓના ભવિષ્યની સાથે પોતાના ભવિષ્યને જોયું છે. ગુજરાતની સ્થાપના અને તે પછી વિધાનસભાએ જોયેલા ઉતાર-ચઢાવની વાત કરીને દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આ ગૃહે હંમેશા સમાજના હિત માટે કામ કર્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઈ-વિધાનસભા પણ ગુજરાતનું ઉત્તમ પગલું છે. આ વિધાનસભામાં એપ્લિકેશનની મદદથી સત્ર ચાલશે તે દેશની અન્ય વિધાનસભાઓ અને વિધાનપરિષદો માટે મોટું ઉદાહરણ સાબિત થશે આ સાથે તેઓ આ પ્રક્રિયાને અપનાવી પણ શકે છે. આ એક અત્યંત પ્રગતિશિલ પરિવર્તન છે. તેમણે અહીં ગુજરાતના ઉમદા કવિ ઉમાશંકર જોશીની 'હું ગુર્જર ભારતવાસી, ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી..' પંક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આ કવિતા ગુજરાતની આત્માની પોકાર છે.વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ડિજિટલ થતાં પેપર લેસ થવાની સાથે અન્ય મહત્વના ફાયદા થશે
ગૃહની તમામ પ્રક્રિયા પેપર લેસ થવાથી, પર્યાવરણની સુરક્ષા પણ થઈ શકશે. ગુજરાતની ધરતી પરથી સપુતોએ દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું હોવાની વાત કરીને તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. વિક્રમ સારાભાઈ, મોરરાજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આજે શરૂ થનારા સત્રમાં કોંગ્રેસ દ્વારા મુલાસણ જમીન કૌભાંડ, પાક વીમો, બેરોજગારી, ખેડૂતને ઓછી વીજળી, ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને કાયમી નોકરી, ફિક્સ પગારદારોને પેન્શન, શિક્ષણનું ખાનગીકરણ જેવા મુદ્દે રજૂઆત કરવામાં આવી શકે છે