સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 જૂન 2023 (15:19 IST)

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં થયેલી દુર્ઘટનાનો મામલો, રાજ્ય સરકારે સહાય જાહેર કરી

dariyapur building collapse
dariyapur building collapse
મુખ્યમંત્રીએ મોડી રાત્રે ટ્વિટ કરીને રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય કરશે
 
અમદાવાદઃ શહેરના દરિયાપુરમાંથી જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક મકાનની બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું તો 31 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનામાં મૃતકના પરિવાર તેમજ ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે ટ્વીટ કરી લખ્યું છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય કરશે.
 
ઘટનાને પગલે 31 લોકોને નાની મોટી ઈજા
 
મંગળવારે અમદાવાદમાં નિકળેલી 146મી રથયાત્રા દરમિયાન દરિયાપુરના કડીયાનાકા વિસ્તારમાં  આવેલા મકાનનો સ્લેબ બપોરે 3.30ના સુમારે તૂટી પડતા ભારે દોડધામ મચી ગઈ હતી.ઘટનાને પગલે 31 લોકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.દરમિયાન વસ્ત્રાલથી રથયાત્રા જોવા આવેલા 35 વર્ષના યુવાનને ગંભીર ઈજા થતાં તેનુ મોત નિપજયુ હતુ.સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલા દર્દીઓ પૈકી સાત દર્દી 13 વર્ષના જયારે 24 દર્દી 13 વર્ષથી વધુની ઉંમરના છે.એક દર્દીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને ફેકચર થવા ઉપરાંત ચેસ્ટ તથા સ્પાઈન ઈન્જરી થવા પામી છે.
 
એસ્ટેટ વિભાગે ઘટના બાદ નોટિસ ચીપકાવી હોવાની ચર્ચા
 
દરિયાપુરના કડીયાનાકા વિસ્તારમાં મકાનનો સ્લેબ તૂટી પડયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ તરફથી ભયજનક મકાન હોવા અંગેની સ્થાનિક રહીશોમાં ચર્ચા સાંભળવા મળી હતી.જો કે એસ્ટેટ વિભાગે આ ઈમારતમાં અગાઉ ભયજનક હોવા અંગેની નોટિસ લગાવાઈ હોવાનો દાવો કર્યો હતો. રથયાત્રા અગાઉ એસ્ટેટ વિભાગ તરફથી ખાડીયા-1માં 48,ખાડીયા-2માં 132, જમાલપુરમા-10,શાહીબાગમાં-9 ઉપરાંત શાહપુરમાં ચાર તથા દરિયાપુર વોર્ડમાં 84 એમ કુલ મળી મધ્યઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં 287 ભયજનક મકાન કે મકાનનો ભયજનક ભાગ ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હતી.દરિયાપુર વોર્ડમાં 84 મકાનને ભયજનક હોવા અંગેની નોટિસ અપાઈ હતી.ત્યારે આ મકાન સંદર્ભમાં તંત્રે કોઈ શરતચૂક કરી છે કે કેમ? એ બાબત સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બનવા પામી હતી.