શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (10:37 IST)

નર્મદા ડેમ થયો છલોછલ, વિજય રૂપાણીએ ઇ-પૂજન કરી કહ્યું, 'સરદાર સરોવર ડેમ ગુજરાતની તાકાત છે

ગુજરાત અને મધ્ય પ્રદેશમાં થયેલા સતત વરસાદના કારણે નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમ આ વર્ષે પણ પોતાના કાંઠા સુધી ભરાઈ ગયો છે. આ સૌથી મોટો બાંધ છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી ગઈ છે. નર્મદા બંધમાં નવા નીરની આવક થતાં સીએમ રૂપાણીએ આજે વધામણા કર્યા હતા. સીએમ વિજય રૂપાણીએ આજે મા નર્મદાનું ઈ-પૂજન કર્યું છે. ત્યારબાદ સીએમે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 
 
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએજણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમ ગુજરાતની તાકાત છે. હાલ ડેમ ઓવરફ્લો થતાં ડેમના 5 ગેટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 70,000 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય ગોઠવાઈ ગયા હતા. ઉપરવાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે. નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરીથી ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. 
 
સરદાર સરોવર ડેમને જીવનદાયી પણ માનવામાં આવે છે કારણકે અહીંના પાણીથી બે રાજ્યોની લાખો હેક્ટર ભૂમિની વર્ષભર સિંચાઈ થાય છે. મોટાપાયે વિજળી ઉત્પાદન થાય છે અને 200થી વધુ શહેર-કસ્બાઓને પીવાનુ પાણી પૂરુ પાડવામાં આવે છે. સરદાર સરોવર ડેમમાંથી નીકળેલી નર્મદા નહેરમાં હાલમાં એટલુ પાણી ભરાઈ ગયુ છે કે તેનાથી અમદાવાદ શહેરની આખા વર્ષની તરસ છિપાઈ શકે છે. આ દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઈ નહેર પણ માનવામાં આવે છે.
 
આ બંધની પાયા સહિત 163 મીટર ઉંચાઇ છે. સરદાર સરોવડ ડેમમાં પાણીની આવક 99630 ક્યૂસેક છે અને જાવક 34540 ક્યૂસેક છે. રિવર બેડ પાવરના 6 યૂનિટ સતત ચાલતા 34766 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. મુખ્ય કેનાલમાં 13500 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5534 મિલીયન ક્યૂબીક મીટર થયો છે. એટલે ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.