રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (12:50 IST)

રાજકોટમાં ફરજીયાત સીટબેલ્ટ અને હેલ્મેટના વિરોધમાં સત્યાગ્રહ યોજાશે

ટ્રાફિક નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે નવા પસાર કરાયેલા કાયદામાં દંડની રકમમાં અનેકગણો વધારો કરી દેવાતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટના વિરોધમાં આગામી તા.7થી ત્રણ દિવસ સુધી રાજકોટમાં સત્યાગ્રહ યોજાશે. રાજકોટ મતદાર એકતા મંચના મુખ્ય સંયોજક અશોક પટેલે જણાવ્યું હતું કે, આગામી તા.6 થી 9 સુધી સવારના 9 થી સાંજના 7 સુધી જિલ્લા પંચાયત ચોકમાં પોલીસ કમિશનર કચેરીની સામે સત્યાગ્રહ ‘ધરણા’ કરવામાં આવશે. ચોકમાંથી પસાર થતાં વાહનચાલકો પાસેથી ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાના વિરોધમાં તેમની સહમતી અને સામેલગીરીની સહિઓ કરાવીને ઝુંબેશ કરવામાં આવશે અને તે સહિનો ઉપયોગ કરી જરૂર પડ્યે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે. વર્ષ 2005-06માં રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાતની જાહેરાત થઇ હતી ત્યારે અશોકભાઇ પટેલ સહિત 30 નાગરિકોએ સવિનય કાનૂન ભંગની લડત લડી આઠ-આઠ દિવસ સુધી જેલ પણ ભોગવી હતી. ફરીથી સરકારે હેલ્મેટ ઝુંબેશ શરૂ કરતા તેની સામે લડતનું રણશિંગું ફૂંકવામાં આવ્યું હતું. આ લડતમાં ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ, વેલજીભાઇ દેસાઇ, લલીતભાઇ જાની સહિતના આગેવાનો પણ જોડાશે.