ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (09:45 IST)

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પાસેથી 17 લાખ ઉઘરાવ્યા, અડધાને જ ટેબલેટ આપ્યાં

રાજ્યમાં કોલેજના વિદ્યાર્થીઓને માત્ર 1 હજાર રૂપિયામાં ટેબલેટ આપવાની યોજના રંગેચંગે જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓને પૂરતી સંખ્યામાં ટેબલેટ આપવામાં સરકાર ઊણી ઉતરી છે. અમદાવાદ જિલ્લાના 1702 વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ માટે 17.02 લાખ રૂપિયા ઉઘરાવી લીધા બાદ સરકાર માત્ર 50 ટકા જેટલા વિદ્યાર્થીને જ ટેબલેટ આપી શકી છે.

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં માત્ર 882 વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓએ બે વર્ષ પહેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં 820 વિદ્યાર્થીઓને ટેબલેટ આપી શકાયા નથી. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડના પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2020માં આ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ ફી વસૂલવામાં આવી હતી જ્યારે વર્ષ 2020માં વિદ્યાર્થીઓ પાસેથી કોઇ ફી લેવામાં આવી નથી.વર્ષ 2020માં 1702 વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ ફી લેવાઇ હતી તે પૈકી 882 વિદ્યાર્થીને ટેબલેટ અપાયા છે જ્યારે 820 વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયા નથી. વિદ્યાર્થીઓને ટેબલેટ નહીં આપવાના કારણોમાં શિક્ષણમંત્રીએ જણાવ્યંુ હતું કે તા.6-6-2020ના નાણા વિભાગના ઠરાવમાં કરકસરની સૂચનાઓને કારણે આ વિદ્યાર્થીઓને ટેબલેટ આપી શકાયા નથી. બનતી ત્વરાએ ટેબલેટ અપાશે.સરકારે વિધાનસભામાં આપેલી અન્ય એક માહિતી મુજબ રાજ્યના 33 જિલ્લાઓની સરકારી શાળાઓમાં ક્લાસરૂમની સૌથી વધુ ઘટ દાહોદ જિલ્લામાં છે. દાહોદની સરકારી શાળાઓમાં 1,688 વર્ગખંડોની ઘટ છે. બીજા ક્રમે બનાસકાંઠા છે જ્યાં 1,532 ઓરડાની ઘટ છે. ભાવનગરમાં 966, મહેસાણામાં 947 અને સાબરકાંઠા જિલ્લાની સરકારી સ્કૂલોમાં 941 ઓરડાની અછત છે. રાજ્યભરની સરકારી શાળાઓમાં કુલ 19000 વર્ગખંડોની ઘટ છે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે 23 સરકારી સ્કૂલો વીજ કનેક્શન વિના ચાલી રહી છે. આવી 9 શાળા ગિર-સોમનાથ જિલ્લામાં છે જ્યારે 7 પોરબંદરમાં, 3 મોરબીમાં, 2 કચ્છ તથા સાબરકાંઠા-દ્વારકા જિલ્લામાં 1-1 શાળા છે.