મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 ઑક્ટોબર 2022 (15:40 IST)

યુનિફોર્મ સિવિલ કોડને લઇને ગુજરાત સરકાર પ્રસ્તાવ લાવશે, કેબિનેટ બેઠક બાદ થઇ શકે છે જાહેરાત

ગુજરાતમાં આગામી સપ્તાહે જાહેર થનારી ધારાસભા ચૂંટણી પૂર્વે ભાજપ એક મોટો નિર્ણયની જાહેરાત કરી શકે છે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળનારી કેબીનેટ બેઠકમાં રાજયમાં યુનિફોર્મ સીવીલ કોડ (સમાન નાગરિક ધારો) લાગુ કરવા માટે નિર્ણય લેવાશે અને તેના માટે સરકાર એક ઉચ્ચસ્તરીય કમીટીની રચના કરશે.ટોચના સુત્રોના જણાવ્યા મુજબ દેશમાં ઉતરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજય બનશે જયાં યુનિફોર્મ સીવીલ કોડ લાગુ કરવા માટે સરકાર નિર્ણય કરશે અને એક વખત આ સમાન નાગરિક ધારો લાગુ થયા બાદ રાજયમાં હાલ અલગ અલગ ધર્મ માટે જે અલગ અલગ લગ્ન, છુટાછેડા વગેરેના કાનુનો છે તે તમામ રદ થશે અને તેના સ્થાને રાજય સરકાર જે નવો સીવીલ કોડ લાગુ કરશે તે અમલી બની જશે.

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની સંભવત: આખરી કેબીનેટ બેઠક હશે રાજયમાં તા. રના રોજ ધારાસભા ચૂંટણીની જાહેરાત થઇ શકે છે અને આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો પ્રવાસ શરૂ થનાર છે.તે પૂર્વે રાજય સરકાર આજે કેબીનેટમાં યુનિફોર્મ સીવીલ કોડ લાગુ કરવા માટે નિર્ણય લઇ લેશે તે માટે કમીટી નિમીને આગામી સમયમાં તેના અમલ માટે સરકાર કાનુનો સુધારશે. યુનિફોર્મ સીવીલ કોડ એ ભાજપનો લાંબા સમયનો એજન્ડા છે અને તે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ દર્શાવ્યો હતો.જેને અમલમાં મુકવા માટે કેન્દ્રમાં પૂર્ણ બહુમતિ (બે તૃતિયાંશ) ભાજપ સરકાર દેશના અર્ધાથી વધુ રાજયમાં ભાજપની સરકાર હોય તે બંધારણીય સુધારા માટે જરૂરી છે અને ભાજપ તેના શાસનમાં એક બાદ એક રાજયમાં આ પ્રકારનો સુધારો કરીને બાદમાં કેન્દ્રમાં પણ તે સુધારા મંજુર કરાવી દેશભરમાં તે લાગુ કરશે. જયારે ગુજરાત ચૂંટણી પૂર્વે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવે છે.