શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 માર્ચ 2020 (14:13 IST)

રોંગ સાઈડમાં વાહન ચલાવતાં પકડાયા તો લાઈસન્સ સસ્પેન્ડ, 12 માર્ચ સુધી દંડનીય કાર્યવાહી શરુ

ટ્રાફિક પોલીસે શહેરમાં 128 સ્થળ ઓળખી કાઢ્યા છે જ્યાં લોકો રોંગ સાઈડમાં ભયજનક રીતે વાહનો લઈને આવતાં હોય છે. ટ્રાફિક વિભાગે ગુરુવારથી શરૂ કરેલી ડ્રાઈવ 12 માર્ચ સુધી ચાલશે. રોંગ સાઈડથી આવતાં વાહનચાલકને પકડી પોલીસ પહેલી જ વખતમાં લાઈસન્સ સસ્પેન્ડ કરશે. પ્રથમ દિવસે પોલીસે 175 કેસ કરી 2.88 લાખ દંડ વસૂલ્યો, 23 વાહન જપ્ત કર્યા છે.
શહેર ટ્રાફિકના સંયુકત પોલીસ કમિશનર જે.આર.મોથલિયાના જણાવ્યા અનુસાર શહેરમાં રોંગસાઈડમાં ભયજનક રીતે વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવા માટે ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં દરેક થાણા ઈન્ચાર્જે અસરકારક કામગીરી કરવાની રહેશે.રોંગ સાઈડેથી આવતાં ચાલકો સામે દિવસભર ડ્રાઈવ ચાલુ રખાશે. ડ્રાઈવમાં IIM, ડ્રાઈવ ઈન, ચાણકયપુરી, એઈસી બ્રિજ સહિતના વિસ્તારોનો સમાવેશ કરાયો છે.
રોંગ સાઈડથી આવતો ચાલક પકડાય તો આઈપીસીની કલમ 279 તેમજ મોટર વ્હીકલ એકટની જોગવાઈઓ મુજબ તાત્કાલિક ધોરણે લાઈસન્સ સસ્પેન્ડ કરાશે. લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી માટે આરટીઓ સાથે સંકલનમાં રહી દરરોજ 3થી 5 વાગ્યા દરમિયાન સબંધિત આરટીઓ કચેરી ખાતે લાઈસન્સ મોકલી અપાશે. ડ્રાઈવનો રિપોર્ટ મદદનીશ પોલીસ કમિશનરને રોજે રોજ આપવાની સૂચના અપાઈ છે.
સામાન્ય રીતે રોંગસાઈડમાં આવતા વાહનચાલકો પોલીસને જોઈને વળી જતા હોય છે. આ સ્થિતિને ધ્યાને રાખીને ડ્રાઈવમાં આવા વાહનચાલકોને પકડી કાર્યવાહી કરવા માટે સંયુકત પોલીસ કમિશનર ટ્રાફિક જે.આર.મોથલિયાએ આવા રસ્તાઓ ઉપર એન્ફોર્સમેન્ટ ટીમો હાજર રખાવી આવા વાહનચાલકોને ઝડપી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.