રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 એપ્રિલ 2021 (14:03 IST)

વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું, નર્મદા યોજના માટે ગુજરાતે માગેલી ગ્રાન્ટથી રૂ.1087 કરોડ કેન્દ્ર સરકારે ઓછા આપ્ચા

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની, સરદાર સરોવર નર્મદા યોજના માટે હંમેશા ગુજરાત સાથે અન્યાય થતો રહ્યો છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સ્વીકાર્યું હતું કે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ કેન્દ્ર સરકારે બે વર્ષની અંદર રાજ્યને 1087 કરોડની ગ્રાન્ટ ઓછી ફાળવી છે. સરદાર સરોવર યોજના માટે ગુજરાત સરકારે નર્મદા યોજના માટે બે વર્ષમાં કેન્દ્ર પાસે 2,967 કરોડ રૂપિયાની ગ્રાન્ટની દરખાસ્ટ કરી હતી. રાજ્યની આ માંગણીની સામે કેન્દ્ર સરકાર તરફથી 1879 કરોડ અને 76 લાખ રૂપિયા જ મળ્યા હોવાનું વિધાનસભામાં નર્મદા મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું. આ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2019માં 2000 કરોડની માગણી કરી હતી, પરંતુ તે વર્ષે રૂ. 1394 કરોડ મળતા બીજા વર્ષે 2020માં ગ્રાન્ટની દરખાસ્ત ઘટીને 967 કરોડ થઈ હતી. નર્મદા ડેમ પર દરવાજા મુકાયા પછી પણ ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા કેનાલ નેટવર્કમાં 7700 કિમીથી વધુનું કામ હજુ બાકી છે. ભારત સરકારે ત્વરિત સિંચાઈ લાભ યોજના અને હર ખેત કો પાની હેઠળ ગુજરાતને વર્ષ 2018-19માં 1394 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ તે પછીના વર્ષે ઘટીને 2019-20માં 485 કરોડ થઈ ગઈ. આ ગ્રાન્ટનો ઉપયોગ સરદાર સરોવર નર્મદા યોજના હેઠળ પ્રશાખા હેઠળ ખેતર સુધી પાણી પહોંચાડવાના નેટવર્ક માટે થાય છે. છેલ્લા બે વર્ષોમાં માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નર્મદા કેનાલમાં 100 જેટલા ગાબડા પડ્યા છે. જે માટે 10 કંપનીઓ પાસેથી સમારકામ પેટે 22.88 કરોડનો ખર્ચ વસૂલાયો છે.